સિંધુદુર્ગ-રત્નાગિરી બાદ રાયગઢ પણ મહાયુતિ માટે માથાનો દુ:ખાવો સુનિલ તટકરેની બેઠક પર ભાજપ બાદ શિંદે જૂથનો ડોળો
અલિબાગ: પહેલાથી જ રામદાસ કદમ સિંધુદુર્ગ-રત્નાગિરી બેઠક માટે ભાજપ ઉપર વાક્બાણ છોડી રહ્યા છે ત્યારે હવે મહાયુતિ માટે રાયગઢની બેઠક ઉપર ફેંસલો લેવો પણ મુશ્કેલ થઇ રહ્યો છે. અજિત પવાર જૂથની એનસીપીના સુનિલ તટકરેનો મતવિસ્તાર ગણાતા રાયગઢ ઉપર ભાજપ બાદ હવે શિંદે જૂથની શિવસેનાએ પણ ડોળો માંડ્યો છે અને વિધાનસભ્ય ભરત ગોગાવલેના પુત્ર વિકાસ ગોગાવલેએ રાયગઢ ઉપરથી લોકસભાની ચૂંટણી લડવા માટેની માગણી કરી છે.
જેને પગલે મહાયુતિમાં બેઠકોની વહેંચણીની ગાંઠ વધુ ગૂંચવાઇ છે.
ઉલ્લેખનીય છે કે રાયગઢ બેઠક ઉપર હાલ અજિત પવાર જૂથની એનસીપીના સુનિલ તટકરે સાંસદ તરીકે કાર્યરત છે. જોકે, રાયગઢમાં સુનિલ તટકરે સાંસદ તરીકે ન રહે તેવી લાગણી ભાજપના કાર્યકર્તાઓની છે અને ભાજપે આ બેઠક પોતાના નામે કરવી જોઇએ, તેવી ભાજપ કાર્યકર્તાઓની માગણી છે.
મહાયુતિના આ બે પક્ષ વચ્ચે આ બેઠક માટે માથાકૂટ ચાલી રહી છે ત્યારે હવે તેના ત્રીજા સાથી પક્ષ એટલે કે શિંદે જૂથની શિવસેનાએ પણ આ બેઠક ઉપર પોતાનો દાવો માંડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી તેમાં મહારાષ્ટ્રના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. જેને પગલે હજી સુધી મહારાષ્ટ્રની મહાયુતિમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલાયો ન હોવાની ચર્ચા ચાલી હતી.