રાયગડમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર રેઇડ: 106 કરોડનું મેફેડ્રોન જપ્ત
થાણે: રાયગડમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર કાર્યવાહી કરી પોલીસે 106 કરોડ રૂપિયાથી વધુનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. ફૅક્ટરીમાંથી પોલીસે ત્રણ જણની ધરપકડ કરી ડ્રગ્સ બનાવવા માટેની સાધનસામગ્રી તાબામાં લીધી હતી.
ખાલાપુરના સાજગાંવ ખાતેની એક ફૅક્ટરીમાં પ્રતિબંધિત ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે ગુરુવારે કાર્યવાહી કરી હતી. ફૅક્ટરીના કર્મચારીઓ મેફેડ્રોનનું ઉત્પાદન કરી તેને ડ્રમમાં ભરી રહ્યા હોવાનું નજરે પડ્યું હતું, એવું સિનિયર ઈન્સ્પેક્ટર શિતલ રાઉતે જણાવ્યું હતું.
પોલીસે સંબંધિત ફૅક્ટરીને સીલ કરી ત્રણ કર્મચારી કમલ જેસવાની (48), મતિન શેખ (45) અને એન્થોની કુરુકુટ્ટીકરણને તાબામાં લીધા હતા. આ મામલે ખોપોલી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ ડ્રમમાંથી 85.2 કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. ત્રણમાંથી બે ડ્રમમાં 30-30 કિલો અને એક ડ્રમમાં 25.2 કિલો મેફેડ્રોન ભરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 106.50 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ફૅક્ટરીમાંથી કાચો સામાન અને કેમિકલ મળી અંદાજે 15.37 લાખની સાધનસામગ્રી તાબામાં લીધી હતી. આ ડ્રગ્સના રૅકેટમાં ઉત્પાદન, વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)