મહારાષ્ટ્ર ચૂંટણી મુદ્દે ચૂંટણી પંચના ખુલાસા બાદ રાહુલ ગાંધીએ માંગ્યા પુરાવા

મુંબઈઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો દાવો કર્યો હતો. જેને લઈને ચૂંટણી પંચે શનિવારે જવાબ આપ્યો હતો. ચૂંટણી પંચના જવાબથી રાહુલ ગાંધીને સંતોષ ન હોય તેમ ફરીથી ટ્વિટ કરીને મહારાષ્ટ્રની મતદાર યાદી અને સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માંગ કરી હતી.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ચૂંટણી પંચે મહારાષ્ટ્ર સહિતના તમામ રાજ્યોને લોકસભા અને વિધાનસભાની તાજેતરની ચૂંટણીની મતદાર યાદી પ્રકાશિત કરવી જોઈએ. આ ઉપરાંત ચૂંટણી પંચને મહારાષ્ટ્રના મતદાર કેન્દ્રોના સાંજે 5 વાગ્યા પછીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા પણ કહ્યું હતું.
રાહુલ ગાંધીએ લખ્યું, મહારાષ્ટ્રમાં ભાજપ એટલી હતાશ કેમ હતી તે સમજવુ મુશ્કેલ નથી. પરંતુ ચૂંટણીમાં ગોટાળા મેચ ફિક્સિંગ જેવું છે, જે પક્ષ છેતરપિંડી કરે છે તે મેચ જીતી શકે છે. પરંતુ આનાથી લોકશાહી સંસ્થાઓ નબળી પડે છે અને જનતા પરિણામોમાંથી વિશ્વાસ ગુમાવે છે.
આ પણ વાંચો: બાવનકુળેએ રાહુલ ગાંધીને ‘મહારાષ્ટ્રમાં મેચ ફિક્સિંગ’ નિવેદન પર ઘેરી લીધા, ‘ઇતિહાસ’ યાદ કરાવ્યો
ચૂંટણી પંચે શું કહ્યું
ચૂંટણી પંચે શનિવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કરવામાં આવેલા દાવાને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું, ચૂંટણી પંચે 24મી ડિસેમ્બર 2024ના રોજ કોંગ્રેસને આપેલા જવાબમાં આ તમામ તથ્યો રજૂ કર્યા હતા, જે ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. એવું લાગે છે કે વારંવાર આવા મુદ્દાઓ ઉઠાવીને આ તમામ તથ્યોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત ચૂંટણી પંચે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી માત્ર કાયદાના અનાદરની નિશાની નથી, પરંતુ તે પોતાના રાજકીય પક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા હજારો પ્રતિનિધિઓને પણ બદનામ કરે છે અને ચૂંટણી દરમિયાન અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી કર્મચારીઓનું મનોબળ પણ નીચું કરે છે.
ભાજપે રાહુલ ગાંધીના દાવાને અપમાનજનક ગણાવ્યા
ભાજપે રાહુલ ગાંધીના દાવાઓને અપમાનજનક ગણાવ્યા હતા. ભાજપના નેતાએ કહ્યું, રાહુલ ગાંધી દેશની સંસ્થાઓને બદનામ કરી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આ મુદ્દાઓને વારંવાર વિગતવાર સંબોધવામાં આવ્યા છે.