નાગપુરઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં નાગપુરમાં ભાજપના પ્રદેશ પદાધિકારીઓની ‘મહાવિજય 2024’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને માર્ગદર્શન આપતી વખતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. ફડણવીસે કહ્યું હતું કે ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત ખુશીની વાત છે, પરંતુ આગામી લોકસભાની ચૂંટણીનો પડકાર આપણી સામે છે. મહાવિજય 2024 આપણું લક્ષ્ય છે. અમે જીતની ભાવના સાથે મેદાનમાં ઉતરવા માંગીએ છીએ. મોદીના નામે આપણે જીતી જઇશું એવા અતિ આત્મવિશ્વાસમાં રાચવાની જરૂર નથી. નહીં તો આપણે યોગ્ય રીતે કામ કરી શકીશું નહીં દેવેન્દ્ર ફડણવીસે અપીલ કરી હતી કે આગામી 9થી 10 મહિનામાં આપણે પાર્ટી માટે ઘણું કામ કરવું પડશે. આ પ્રસંગે તેમણે રાહુલ ગાંધીની ટીકા કરતા કોંગ્રેસનો આભાર માન્યો હતો.
ફડણવીસે કૉંગ્રેસને ટોણો મારતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા હોવાથી આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. રાહુલ ગાંધી એ ભગવાને ભાજપને આપેલું વરદાન છે. વિરોધ પક્ષનો નેતા આવો મળે એ ભાગ્યની વાત છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કૉંગ્રેસે ફક્ત પોતાનો જ વિચાર કર્યો એટલે તેની આવી સ્થિતિ થઇ છે. પક્ષનું મહત્વ જ ખતમ થઇ ગયું છે. કૉંગ્રેસના નેતા કાર્યકર રહ્યા નહીં. દેશની સૌથી જૂની પાર્ટી સામે આજે મુશ્કેલ સમય આવી ગયો છે. જોકે, ભાજપમાં આવું થતું નથી. ભાજપમાં સૌથી અદના કાર્યકરનું પણ મૂલ્ય છે. બધા નેતાઓ સરખા છે. થોડા સમય પહેલા જ કોઇએ અમિત શાહને પૂછ્યું હતું કે તમે કેમ તમારા સૌથી જ્યેષ્ઠ અને નિષ્ઠાવાન નેતાને મુખ્ય પ્રધાન નહીં બનાવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં સૌથી વધુ નિષ્ઠાવાન કોઇ હોય તો તે અમારા કાર્યકર્તા છે. કાર્યકર્તા કરતા કોઇ મોટું નથી. ભાજપમાં જ આ શક્ય છે, એમ જણાવતા ફડણવીસે કહ્યું હતું કે, ‘અમે નેતૃત્વ બદલી રહ્યા છીએ. જો આમ ન કરવામાં આવે તો નવી પેઢીનું નિર્માણ થતું નથી.
ફડણવીસે જણાવ્યું હતું કે, જેમને બાજુ પર રાખવામાં આવ્યા છે તેઓને અલગ ભૂમિકા આપવામાં આવે છે. ગઈકાલ સુધી સર્વોચ્ચ હોદ્દા પર રહેલા વ્યક્તિને હવે બીજી જવાબદારી સોંપવામાં આવે છે અને આ નેતાઓ હસીને નવી જવાબદારી સ્વીકારે છે.’
ભાષણના અંતમાં ફડણવીસે જણાવ્યું હતું કે, ‘આ ચૂંટણી ભાજપ માટે નહીં પરંતુ ભારત માટે લડવાની છે. અમે ભારતને ફરી એકવાર મોદીના હાથમાં સોંપવા માંગીએ છીએ.”
Taboola Feed