ફાલટન કેસમાં રાહુલ ગાંધીનો ગંભીર આરોપ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને એક યુવાન ડૉક્ટરની આત્મહત્યાના કેસ પર પ્રતિક્રિયા આપી છે અને ગંભીર આરોપો લગાવ્યા છે, “આ આત્મહત્યા નથી, પણ સંસ્થાકીય હત્યા છે”. તેમ જ આ યુવાન ડૉક્ટરના મૃત્યુ પછી તેમણે મહારાષ્ટ્રમાં ભાજપ સરકારના અમાનવીય અને નિર્દય સ્વભાવની પણ ટીકા કરી હતી.
“બળાત્કાર અને ઉત્પીડનથી કંટાળીને મહારાષ્ટ્રના સતારાના ફલટનની એક યુવાન ડોક્ટરની આત્મહત્યા કોઈપણ સભ્ય સમાજ માટે આઘાતજનક છે. બીજાનું દુઃખ ઓછું કરવાની ઇચ્છા ધરાવતી એક ડોક્ટર ભ્રષ્ટ સત્તા અને સત્તા પર બેસેલા ગુનેગારો દ્વારા ઉત્પીડનનો ભોગ બની.
આપણ વાચો: ‘આ ઇન્સ્ટીટયુશનલ મર્ડર છે’ મહિલા ડૉક્ટર આત્મહત્યા કેસમાં રાહુલ ગાંધીના ભાજપ સરકાર પર પ્રહાર
જેમને ગુનેગારોથી જનતાનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે આ માસૂમ પર જઘન્ય ગુનો આચર્યો, બળાત્કાર કર્યો અને તેનું શોષણ કર્યું,” એમ કહેતા રાહુલ ગાંધીએ ઉમેર્યુ હતું કે, “ભાજપ સાથે સંકળાયેલા કેટલાક પ્રભાવશાળી લોકોએ દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સત્તા દ્વારા સુરક્ષિત ગુનાહિત વિચારધારાનું સૌથી ભયંકર ઉદાહરણ છે. આ આત્મહત્યા નથી, તે સંસ્થાકીય હત્યા છે.
જ્યારે સત્તા ગુનેગારોને રક્ષણ આપે છે, ત્યારે આપણે કોની પાસેથી ન્યાયની અપેક્ષા રાખી શકીએ? આ યુવાન ડૉક્ટરના મૃત્યુએ આ ભાજપ સરકારના અમાનવીય અને નિર્દય સ્વભાવને ઉજાગર કર્યો છે,” રાહુલ ગાંધીએ ઉમેર્યુ હતું.



