કોરોનાકાળમાં જ્યારે મૃતદેહોના ઢગ પડ્યા હતા ત્યારે PM Modi…જાણો Rahul Gandhiએ શું કહ્યું

ઠાણેઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પ્રવેશી છે. રાહુલે અહીં સભાને સંબોધી હતી અને વડા પ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. ઈલેક્ટ્રોલ બોન્ડની બહાર આવેલી માહિતીના આધારે રાહુલે કહ્યું હતું કે કોરોના કાળમાં જ્યારે મૃતદેહોના ઢગ પડ્યા હતા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિરોમ કંપની પાસેથી નાણા કઢાવતા હતા.
તેઓ તમને મોબાઈલની લાઈટ ફ્લેશ કરવા કહેતા, થાળી વગાડવા કહેતા, પણ તમે થાળી વગાડતા રહ્યા અને સિરમના માલિક પૂનાવાલા તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી ભાજપને આપતા રહ્યા. તેમણે કહ્યું કે કોરોના સમયે લગભગ 50 લાખ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો ત્યારે વેક્સિન બનાવનારી કંપની પાસેથી પૈસા લઈ ભાજપે પોતાના ખિસ્સા ભર્યા.
તેમણે મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં સરકારો પાડવા માટે પણ અમિત શાહ અને મોદીને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે જે લોકો પક્ષમાંથી બગાવત કરે છે તેઓ મફતમાં કરતા નથી, બધાને મોદી-શાહ ફીટ કરે છે.
મોદી સરકારે ઈલેક્ટ્રોલ બોન્ડનું માળખું તૈયાર કર્યું. પછી કંપનીઓને ઈડી અને સીબીઆઈની રેડની ધમકી આપી તેમની પાસેથી દાન મેળવ્યું. જે દાન આપે તેવી કંપનીને સરકારી કોન્ટ્રાક્ટ આપ્યા, તેવો આક્ષેપ રાહુલે કર્યો હતો.
રાહુલ અગ્નિવીર સ્કીમની પણ ટીકા કરી હતી. તેણે જણાવ્યું હતું કે ચીનમાં સૈનિકોને પાંચ વર્ષનું પ્રશિક્ષણ આપવામાં આવે છે અને આપણે છ મહિનામાં અગ્નિવીર તૈયાર કરીએ છીએ. આપણા સૈનિકો તેમની સામે લડી શકતા નથી અને શહીદ થાય છે. ત્યારબાદ તેમના પરિવારને કહેવામાં આવે છે કે તમારા સંતાનનો મૃતદેહ લઈને જાઓ. તેઓને કોઈ લાભ આપવામાં આવતા નથી