છ દિવસ પહેલા ચેતવણી અપાઇ, પણ કાને ન ધરાઇ એટલે પ્રતિમા તૂટી પડી
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતીમા તૂટી પડવાનું પ્રકરણ
મુંબઈ: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે નવી વિગતો સામે આવી રહી છે. પ્રતિમા પડી ગઇ તેના છ દિવસ પૂર્વે જાહેર બાંધકામ ખાતા દ્વારા પ્રશાસનને આ પ્રતિમાની દુર્દશા વિશે પ્રશાસનને ચેતવણી આપી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, પ્રશાસને ચેતવણીને કાને ન ધરતા પ્રતિમા તૂટી પડી હતી.
જાહેર બાંધકામ વિભાગ દ્વારા પ્રશાસનને પ્રતિમાના નટ-બૉલ્ટ કાટ ખાઇ ગયા હોવાનું અને પ્રતીમાની પરિસ્થિતિ સારી ન હોવાનું પ્રશાસનને જણાવવામાં આવ્યું હતું. 20 ઑગસ્ટના રોજ આ વિશેનો પત્ર લખી સંબંધિત વિભાગને મોકલવામાં આવ્યો હતો.
સ્થાનિક રહેવાસીઓ પણ પ્રતિમાની અવસ્થા જોઇને નારાજ હોવાનું આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું. પત્રમાં જણાવાયા મુજબ જાહેર સ્થળે પ્રતિમા ઊભી કરી તેની દેખરેખ કરવામાં ભારતીય નેવીને કોઇ અનુભવ ન હોવાનું પણ પત્રમાં જણાવાયું હતું.
હાલમાં જ પ્રતિમાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને એ દરમિયાન જે નટ અને બૉલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે વરસાદના કારણે કાટ ખાઇ ગયા હતા. આ પ્રતીમા બનાવનારા શિલ્પકાર જયદીપ આપ્ટેએ આ સમસ્યાનું કાયમી સમાધાન શોધી આપવું જોઇએ, એમ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 8 સપ્ટેમ્બર, 2023માં અને 4 ડિસેમ્બર 2024ના રોજ આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સિંધુદુર્ગ ખાતે આવેલા રાજકોટ ફોર્ટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેવી ડેના રોજ આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.