BREAKING: મહારાષ્ટ્રમાં મોટી ટ્રેન દુર્ઘટનાઃ પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા પ્રવાસીઓ પર ફરી વળી કર્ણાટક એક્સપ્રેસ, અનેકનાં મોત
જળગાંવઃ મહારાષ્ટ્રના જળગાંવના પરાંડા રેલવે સ્ટેશન નજીક એક મોટા ટ્રેન અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. પુષ્પક એક્સપ્રેસના કોચમાં આગ લાગી હોવાની અફવાને લઈને પ્રવાસીઓ ટ્રેનમાંથી કૂદ્યા હતા, જ્યારે અન્ય એક અહેવાલમાં પ્રવાસીઓ ટ્રેક પર ઉતરી ગયા ત્યારે લોકો પર ટ્રેન ફરી વળી હતી. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
કઈ રીતે થયો અકસ્માત?
જળગાંવ જિલ્લાના પચોરા જળગાંવ સ્ટેશનની વચ્ચે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગ્યાની અફવા ફેલાઈ હતી, જેના કારણે પ્રવાસીઓ જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા, પરિણામે અનેક પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. પુષ્પક એક્સપ્રેસ લખનઊથી મુંબઈ આવી રહી ત્યારે આ બનાવ બન્યો હતો. ટ્રેનમાં ચેઈન પુલિંગ પણ કરવામાં આવ્યું હતું. એસીપીનું કારણ જાણવા મળ્યું નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રવાસીઓએ આપેલી માહિતી અનુસાર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગ્યાની અફવાને લઈ પ્રવાસીઓ જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદ્યા હતા. આ અંગે રેલવે અધિકારીએ કહ્યું હતું કે જળગાંવ જિલ્લામાં ટ્રેનનું એલાર્મ ચેન પુલિંગ પછી ટ્રેન પરથી ટ્રેક પર અનેક પ્રવાસીઓ ઊતર્યા હતા, જેમાં સામેથી આવતી ટ્રેન અનેક પ્રવાસીઓ પર ફરી વળી હતી. આ ટ્રેન અકસ્માત પછી રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થયા છે.
આ અકસ્માત પછી પોલીસ અને સ્થાનિક એજન્સી દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.