પુણેના યવતમાં કોમી હિંસા: 500થી વધુ લોકો સામે પાંચ એફઆઇઆર, 17 જણની અટકાયત | મુંબઈ સમાચાર

પુણેના યવતમાં કોમી હિંસા: 500થી વધુ લોકો સામે પાંચ એફઆઇઆર, 17 જણની અટકાયત

સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અપલોડ કરનારા યુવકની ધરપકડ

પુણે: સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ બાદ પુણેના દૌંડ તાલુકાના યવત ગામમાં ફાટી નીકળેલી કોમી હિંસા પ્રકરણે પોલીસે 500થી વધુ લોકો સામે પાંચ એફઆઇઆર દાખલ કરી છે, જ્યારે હિંસા સમયે આગ ચાંપવા તથા મિલકતને નુકસાન પહોંચાડવા બદલ 17ની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અપલોડ કરનારા યુવકની ધરપકડ કરીને તેની સામે અલગથી કેસ દાખલ કરાયો છે.

યવત ગામમાં શુક્રવારે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટને કારણે કોમી હિંસા ફાટી નીકળી હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ મિલકતોની તોડફોડ કરીને આગ ચાંપી હતી. યવત પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે હિંસા સંબંધે પાંચ કેસ દાખલ કર્યા છે.

આપણ વાંચો: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં કોમી હિંસામાં ૧૮નાં મોત

મિલકતને નુકસાન પહોંચાડવા અને આગ ચાંપવા બદલ 500થી વધુ લોકો સામે ચાર કેસ દાખલ કરાયા છે, જેમાંથી 100થી વધુ લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે અને 17ને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

વાંધાજનક પોસ્ટ અપલોડ કરનારા યુવક સામે ધાર્મિક ભાવના દુભવવાના આરોપસર એફઆઇઆર દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. હિંસામાં સામેલ ટોળાએ મોટરસાઇકલ, બે કાર, એક ધાર્મિક સ્થળ અને બેકરીને નિશાન બનાવ્યા હતા અને આગ ચાંપી હતી.

પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવા સાથે ટિયર ગેસના શૅલ પણ છોડ્યાં હતા. યવતમાં પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

આપણ વાંચો: બંગાળના મુર્શિદાબાદમાં કોમી હિંસા, મકાનો અને દુકાનોમાં તોડફોડ, કલમ 163 લાગુ

પુણેના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપ સિંહ ગિલે કહ્યું હતું કે પૂર્વનિયોજિત કાવતરાના કોઇ સંકેત મળતા નથી અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ નિષ્કર્ષ કાઢી શકાતો નથી. શનિવાર બપોર સુધીમાં પોલીસે હિંસા સંબંધે પાંચ એફઆઇઆર દાખલ કર્યા છે. જે વ્યક્તિની વાંધાજનક પોસ્ટથી હિંસા ફાટી નીકળી હતી તે ગામમાં ઘણાં વર્ષથી રહે છે.

કોમી હિંસા બાદ ગામમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ) સહિત મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: રામનવમીના દિવસે કોમી હિંસાની આગ ભાજપે જ ભડકાવી હતી: મમતા બેનર્જી

સત્તાવાળાઓએ ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ 163 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 144 હેઠળ શુક્રવાર રાતેથી પ્રતિબંધાત્મક આદેશ લાગુ કર્યો હોઇ આગળની પરિસ્થિતિની સમીક્ષા ન થાય ત્યાં સુધી તે અમલમાં રહેશે, એમ પણ એસપી ગિલે જણાવ્યું હતું.

એડિશનલ એસપી ગણેશ બિરાદરે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમે દેખરેખ રાખી રહ્યા છીએ. અમે ગામો પર ડ્રોનથી નજર રાખી રહ્યા છીએ.

દરમિયાન શુક્રવારે પુણેની મુલાકાતે આવેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે અન્ય વિસ્તારના યુવકે દુષ્કર્મના કેસમાં કથિત રીતે સંડોવાયેલા હિન્દુ પૂજારી વિશે વાંધાજનક પોસ્ટ મૂકી હતી, જેને કારણે સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button