મહારાષ્ટ્ર

પુણેમાં ટ્રેનની અડફેટમાં આવતાં ત્રણ યુવકનાં મોત…

પુણે: પુણેમાં મંજરી બુદ્રુક વિસ્તારમાં ગોપાલપટ્ટી ખાતે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટમાં આવતાં ત્રણ યુવકનાં મોત થયાં હતાં.
મૃતકોની ઓળખ કાલેપડલના રહેવાસી પ્રથમેશ નીતિન ટિંડે (18) અને ગોપાલપટ્ટી ખાતે રહેતા તન્મય મહેન્દ્ર તુપે (18) તથા તુષાર શિંદે (19) તરીકે થઇ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે રાતના નવ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. 18થી 20 વર્ષની વયના પાંચથી છ યુવકો રવિવારે રાતે રેલવે ટ્રેક પર ચાલી રહ્યા હતા ત્યારે પુણે સ્ટેશનથી નીકળેલી પુણે-દૌંડ ડેમુ ટ્રેને આમાંના ત્રણ યુવકને અડફેટમાં લીધા હતા, જેમાં ત્રણેયનાં મોત થયાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત થયો એ સ્થળની આસપાસ કોઇ સીસીટીવી કેમેરા નહોતા અને અકસ્માત થયો એ સમયે ત્યાં મૃતકો સાથે હાજર અન્યોને પોલીસ શોધી રહી છે. અકસ્માતની જાણ થતાં હડપસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે અંધારું હતું અને હજી સુધી કોઇ એવા પ્રત્યક્ષદર્શી મળ્યા નથી જે યુવાનોના મૃત્યુ સમયે ત્યાં હાજર હતા. મૃત્યુ પામેલા યુવકો રેલવે ટ્રેક પર શા માટે ગયા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો છે.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button