મહારાષ્ટ્ર

Quality Work: પુણેના એન્જિનિયરે ઇન્ફોસિસની નોકરી છોડી, કારણો જાણશો તો ચોંકી જશો!

પુણેઃ આજકાલ ઑફિસમાં કામકાજના કલાકો અને વર્ક-કલ્ચરને લઇને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલા ઇન્ફોસિસના નારાયણ મૂર્તિએ લોકોને અઠવાડિયાના 70 કલાક કામ કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદ એલ. એન્ડ ટી.ના એસએન સુબ્રમણ્યમે લોકોને અઠવાડિયાના 70થી 90 કલાક કામ કરવાની સલાહ આપી હતી, ત્યારે હવે એવા સમાચાર આવ્યા છે કે ઇન્ફોસિસમાં કામ કરનારા પુણેના એક એન્જિનિયરે કોઇ બેકઅપ પ્લાન વિના કે કોઇ બીજી નોકરી હાથમાં નહીં હોવા થતાં પણ કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. તેનું રાજીનામુ એ વાતની સાક્ષી પુરે છે કે લોકોને અઠવાડિયાના 70 કલાક વર્ક કલ્ચરની સલાહ આપતા ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણમૂર્તિની કંપનીમાં બધુ બરાબર નથી. આપણે વિગતે આ વાત જાણીએ.

ભૂપેન્દ્ર વિશ્વકર્માએ પુણે ખાતે પ્રતિષ્ઠિત કંપની ઇન્ફોસિસમાંની નોકરી છોડી છે. ભૂપેન્દ્ર તેમના પરિવારમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ છે. તેમના હાથમાં બીજી કોઇ જૉબ પણ નથી. નવી નોકરી ક્યારે મળશે એ પણ પોતે નથી જાણતા, પણ તેમણે લિંક્ડઇન (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) પર એક પોસ્ટ મૂકીને નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે નોકરી છોડવાના કારણો પણ ગણાવ્યા છે. તેમને ઇન્ફોસિસમાં નોકરી દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે તેમણે તત્કાળ નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો.

કંપનીમાં આર્થિક વૃદ્ધિની કોઇ તક નથી
ભૂપેન્દ્રએ ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરી અને બોસની અપેક્ષામાં ખરા પણ ઉતર્યા. સિસ્ટમ એન્જિનિયરમાંથી તેમને સિનિયર એન્જિનિયર તરીકે બઢતી આપવામાં આવી પણ પગાર વધારો કરવામાં આવ્યો નહોતો. સામે પક્ષે તેમની ટીમમાં 50 મેમ્બર હતા, જે ઘટીને 30 થયા. છતાં નવા લોકોને નોકરી પર રાખવામાં નહી આવ્યા. બાકીના કર્મચારી પર વધારાના કામનો બોજો નાખવામાં આવ્યો પણ બોસ તરફથી પ્રશંસા કરવામાં આવી નહોતી.

કરિયરમાં પ્રગતિની કોઇ તક જ નહોતી
ભૂપેન્દ્રને એક ખોટ કરતા ખાતામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં કરિયર ગ્રોથની કોઇ સંભાવના ના હોવાનું તેમના મેનેજરે પણ સ્વીકાર્યું હતું. જેની સીધી અસર પગાર વધારા અને કરિયર ગ્રોથ પર પડતી હતી. ઑફિ્સમાં નાના નાના મુદ્દે વારંવાર ફરિયાદો કરવામાં આવતી હતી. કંપનીની અવાસ્તવિક અપેક્ષા સાથે તાલ મેળવવો અશક્ય હતો.

આ પણ વાંચો : સાવરકર માનહાનિ કેસ: વર્ચ્યુઅલ સુનાવણી પછી રાહુલ ગાંધીને પુણે કોર્ટમાંથી જામીન મળ્યા…

કામની કોઈ કદર પણ નહીં કરાઈ
ભૂપેન્દ્રના બોસ, વરિષ્ઠ કર્મચારીઓએ તેમના કામની ઘણી પ્રશંસા કરી હતી, પણ તેમાંથી પ્રમોશન, કરિયર ગ્રોથ કંઇ થયો નહોતો. ઠાલી પ્રશંસા અને સતત કામથી તેઓ સ્ટ્રેસમાં આવી ગયા હતા. પ્રશંસાની આડમાં તેમનું સતત શોષણ થઇ રહ્યું હોવાનું તેઓ અનુભવતા હતા. ભૂપેન્દ્રએ દાવો કર્યો હતો કે કંપનીમાં કરિયર વૃદ્ધિની તકો ગુણવત્તા પર આધારિત નથી, પણ ભાષા પર આધારિત છે. કંપનીમાં તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષીઓને પ્રમોશન આપવામાં આવતું હતું, પણ હિંદીભાષીઓની સતત અવગણના કરવામાં આવતી હતી.

ઇન્ફોસિસમાં સમસ્યાઓ વિશે જણાવી ભૂપેન્દ્રએ લખ્યું હતું કે કર્મચારીઓના મુદ્દાઓને સતત અવગણનારી કંપનીના ટૉક્સિક વાતાવરણમાં હું મારા સ્વાભિમાન અને માનસિક સ્વાસ્થ્ય સાથે સમાધાન કરી શક્યો નહીં અને મેં રાજીનામાનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ તેમના એકલાનો અનુભવ નથી. કંપનીના અન્ય કર્મચારીઓ પણ અનેક પ્રકારના દબાણ અને લાચાર હોવાનો અનુભવ કરે છે.

વેલ, ભૂપેન્દ્રએ તો તેમની પોસ્ટ લિંક્ડઇન પર જાહેર કરી છે અને ઇન્ફોસિસ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં કર્મચારીઓનુ કેવું શોષણ થાય છે એ વિશે ખુલીને વાત કરી છે. ઇન્ફોસિસના નારાયણમૂર્તિના 70 કલાકનું વર્ક કલ્ચર કોના ફાયદા માટે છે? એવો સવાલ લોકો કરી રહ્યા છે.

70-80-90 કલાકના વર્ક કલ્ચરની વાત કરતી કંપનીઓ સામે અન્ય ઉદ્યોગપતિઓએ પણ પ્રતિભાવ આપ્યા છે. મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જણાવ્યું છે કે કામના કલાકો નહીં પણ કામની ગુણવત્તા મહત્વની છે અને તેમને તેમની પત્નીના ચહેરાને જોવો ગમે છે. ( એલ એન્ડ ટીના એસએન સુબ્રમણ્યમે કહ્યું હતું કે લોકોએ રવિવારે પણ કામ કરવું જોઇએ. આખો દિવસ પત્નીનું મોઢું જોઇને શું કરવાનું) તો સિરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પૂનાવાલાએ પણ કંઇ આવો જ પ્રતિભાવ આપ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button