પુણેમાં બીમાર બહેનનું ગળું દબાવી હત્યા: ભાઈની ધરપકડ
પુણે: બીમારીને કારણે આક્રમક બની જતી 16 વર્ષની બહેનનું ગળું દબાવી ભાઈએ હત્યા કરી હોવાની ઘટના પુણેમાં બની હતી. મૃતદેહના ગળામાં રસી બાંધી સીલિંગ સાથે લટકાવીને બહેને આત્મહત્યા કરી હોવાનો દેખાવ કરનારા ભાઈની પોલીસે ધરપકડ કરી હતી.
પુણેના હડપસર સ્થિત વૈદુવાડી ખાતે બનેલી ઘટનામાં મૃતકની ઓળખ સાફિયા સુલેમાન અન્સારી તરીકે થઈ હતી. હડપસર પોલીસે સાફિયાના ભાઈ શારીખ (18)ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : પુણેમાં એસટી બસ ઝાડ સાથે ટકરાતાં 25 પ્રવાસી જખમી
પોલીસના જણાવ્યા મુજબ વૈદુવાડીમાં પરિવાર સાથે રહેતી સાફિયા સતત બીમાર રહેતી હતી. બીમારીને કારણે ક્યારેક આક્રમક બની જતી સાફિયા કુટુંબના સભ્યો પર હુમલો કરતી હતી. 17 જૂને સાફિયાએ ભાઈ પર હુમલો કર્યો હતો, જેને કારણે ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં શારીખે સાફિયાનું ગળું દબાવ્યું હતું, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
કહેવાય છે કે હત્યા બાદ આરોપીએ સાફિયાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું દૃશ્ય ઊભું કર્યું હતું. પોલીસે સાફિયાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તપાસ દરમિયાન હત્યાની વાત સામે આવતાં પોલીસે શારીખને તાબામાં લીધો હતો. આકરી પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.