બંધ થવાની કગાર પર આવેલી પુણેની સરકારી સ્કૂલને ‘વર્લ્ડ બેસ્ટ સ્કૂલ’નો એવોર્ડ

પુણે: મહારાષ્ટ્રની એક સ્કૂલે બ્રિટનમાં ૨૦૨૫ વર્લ્ડ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝનો કમ્યુનિટી ચોઇસ એવોર્ડ જીતીને નવી સિદ્ધિ મેળવી છે. સ્કૂલના શિક્ષકોનું કહેવું છે કે એક સમય હતો જ્યારે આ સ્કૂલ બંધ થવાની હતી, પરંતુ આજે આ સ્કૂલે જ વૈશ્ર્વિક સ્તરે નામના મેળવી છે.
મહારાષ્ટ્રના ખેડ તાલુકા સ્થિત પ્રાથમિક જલિંદરનગર જિલ્લા પરિષદ પ્રાથમિક સ્કૂલ માટે આ અઠવાડિયે લંડનમાં સર્વશ્રેષ્ઠ સ્કૂલ કેટેગરીમાં એનાયત કરાયેલો ‘૨૦૨૫ વર્લ્ડસ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ કમ્યુનિટી ચૉઇસ એવોર્ડ’ જાહેર કરાયો હતો. પબ્લિક વોટિંગમાં ‘વર્લ્ડસ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ’ની પાંચ કેટેગરીમાં પચાસ સ્કૂલમાં જલિંદરનગર જિલ્લા પરિષદ સ્કૂલને સૌથી વધુ વોટ મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 40 હજારથી વધુ સરકારી સ્કૂલોમાંથી માત્ર 524 શાળાને જ A પ્લસ ગ્રેડ મળ્યો
૨૦૨૫ની અન્ય વિજેતા સ્કૂલોમાં બ્રાઝિલ, બ્રિટન, દુબઇ, પાકિસ્તાન, ઇટલી, કોસ્ટા રિકા અને આર્જેન્ટિનાની સ્કૂલોનો સમાવેશ થાય છે.
૨૦૨૨માં હતા ફક્ત પાંચ વિદ્યાર્થી
જલિંદરનગર જિલ્લા પરિષદની સ્કૂલને પોતાના વિષય અનુકૂળ પ્રણાલી, સાથે મળીને અભ્યાસ કરવાના મોડલ, શિક્ષકોના ભણાવવાની પદ્ધતિ તથા સરકારી સ્કૂલમાં ક્રાંતિ લાવવા માટે આ એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. ૨૦૨૨માં આ સ્કૂલમાં ફક્ત પાંચ વિદ્યાર્થી હતા, પરંતુ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષક દત્તાત્રય વારેને ત્યાં નિયુક્ત કરાયા બાદ હવે વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૦ પર પહોંચી ગઇ છે. વારેએ સ્થાનિકોને સ્કૂલનું માળખું ફરી બનાવવા પ્રેરિત કર્યા હતા તથા શિક્ષણ આપવાની નવી પદ્ધતિ અમલમાં મૂકી હતી. આદિવાસી બહુમતિ ધરાવતી આ સ્કૂલમાં બાળકો એકબીજા સાથે મળીને ભણે છે અને એકબીજાને ભણાવે પણ છે.