પુણેમાં સ્કૂલ બસ સાથે મિની ટ્રક ટકરાતાં આઠ વિદ્યાર્થી ઘાયલ

પુણે: પુણે-સોલાપુર હાઇવે પર સ્ટીલના સળિયા લઇ જતી મિની ટ્રક સ્કૂલ બસ સાથે ટકરાતાં આઠ વિદ્યાર્થી અને મહિલા અટેન્ડન્ટ ઘાયલ થયાં હતાં. મિની ટ્રકમાંના સ્ટીલના અમુક સળિયા સ્કૂલ બસનો પાછળનો કાચ તોડીને અંદર ઘૂસી ગયા હતા. સદનસીબે એ સળિયા કોઇ વિદ્યાર્થીને વાગ્યા નહોતા.
પુણેમાં સોરતાપવાડી નજીક બુધવારે બપોરે 2 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. સ્કૂલ બસની સામે અચાનક ટૂ-વ્હીલર આવી જતાં ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક મારીને બસ થોભાવી દીધી હતી.
આપણ વાંચો: સોલાપુરમાં એસયુવી સાથે મોટરસાઇકલ ટકરાતાં ત્રણનાં મોત, આઠ ઘાયલ…
એ સમયે સ્ટીલના સળિયા લઇને આવી રહેલી મિની ટ્રક પાછળથી સ્કૂલ બસ સાથે ભટકાઇ હતી, જેને કારણે સળિયા બસમાં ઘૂસી ગયા હતા. અન્ય એક વાહન પણ મિની ટ્રક સાથે ભટકાયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
ઉરુલી કંચન પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શંકર પાટીલે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં આઠ વિદ્યાર્થી અને મહિલા અટેન્ડન્ટને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.
અકસ્માતમાં ટૂ-વ્હીલરનો ચાલક પણ ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, એમ પાટીલે કહ્યું હતું. (પીટીઆઇ)