
પુણે: પુણેના એક એપાર્ટમેન્ટમાં પોલીસે રવિવારે મળસકે રેઇડ પાડીને રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાંથી નશીલો પદાર્થ, હુક્કા સેટ અપ્સ તથા દારૂ જપ્ત કર્યો હતો.
પોલીસે આ પ્રકરણે ધરપકડ કરેલા સાત જણમાં રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેની દીકરી રોહિણી ખડસેના પતિ પાંજલ ખેવલકરનો સમાવેશ હતો.
એનસીપી (એસપી)ના નેતા એકનાથ ખડસેએ જણાવ્યું હતું કે પોલીસની કાર્યવાહી પાછળ કોઇ રાજકીય હેતુ છે કે કેમ તે જાણવા તપાસ થવી જોઇએ. રોહિણી ખડસે એનસીબી (એસપી)ની મહિલા પાંખના અધ્યક્ષ છે.
આ પણ વાંચો: હેં કરીના કપૂરે કરાંચીની રેવ પાર્ટીમાં ડાન્સ કર્યોઃ જૂઓ વાયરલ વીડિયો
પુણેના ખરાડી વિસ્તારમાં રેડિસન હોટેલની પાછળના ભાગે સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતી રેવ પાર્ટી અંગે માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રવિવારે મળસકે 3.30 વાગ્યે ત્યાં રેઇડ પાડી હતી, ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) નિખિલ પિંગળેએ જણાવ્યું હતું.
રેઇડ દરમિયાન પોલીસે ત્યાંથી 2.7 ગ્રામ કોકેઇન, 70 ગ્રામ ગાંજો, હુક્કાનો પોટ, વિવિધ હુક્કાની ફ્લેવર, દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી હતી.
આ પ્રકરણમાં પાંજલ ખેવલકર, નિખિલ પોપટાની, સમીર સૈયદ, શ્રીપદ યાદવ, સચિન ભોમ્બે, ઇશા સિંહ એ પ્રાચી શર્માની ધરપકડ કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આ પણ વાંચો: થાણેની રેવ પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કરનારા ત્રણ જણની ધરપકડ
તમામ લોકોને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ રેઇડ અંગે પ્રતિક્રિયા આપતાં એકનાથ ખડસેએ જણાવ્યું હતું કે પોલીસની કાર્યવાહી પાછળ કોઇ રાજકીય હેતુ છે કે કેમ તેની તપાસ થવી જોઇએ.