પ્રતિષ્ઠિત વિજ્ઞાન પુરસ્કાર મેળવવા બોગસપત્ર તૈયાર કર્યો: પુણેના પ્રોફેસરની ધરપકડ…

પુણે: વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠિત વિજ્ઞાન પુરસ્કાર માટે પસંદગી કરાઇ હોવાનો દાવો કરતો કથિત બોગસ પત્ર તૈયાર કરવા બદલ પુણે સ્થિત કોલેજના કેમિસ્ટ્રીના પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી હતી.
વિરેન્દ્ર સિંહ યાદવ વાઘોલી ખાતેની કોલેજનો એસોસિયેટ પ્રોફેસર હતો. યાદવ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી), 336 (ફોર્જરી) તથા અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને રવિવારે તેની ધરપકડ કરાઇ હતી.
નેશનલ કેમિકલ લેબોરેટરી (એનસીએલ)ના સિક્યુરિટી ઓફિસરે નોંધાવેલી ફરિયાદ અનુસાર મંત્રાલયને તાજેતરમાં પત્ર મળ્યો હતો, જેમાં વાઘોલીમાં કોલેજના એસોસિયેટ પ્રોફેસર યાદવની 2025-26 શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ માટે પસંદગી કરાઇ હોવાની નોંધ હતી.
2022માં શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડનું નામકરણ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર તરીકે કરવામાં આવ્યું હતું, જે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માનમાંથી એક છે.
સ્ક્રૂટિની દરમિયાન સીએસઆઇઆર-એચઆરડીસીના અધિકારીઓને પત્રમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો)ના બોગસ હસ્તાક્ષર હોવાનું જણાયું હતું. તપાસમાં એવું પણ સામે આવ્યું કે 2025-26 માટે કથિત વિજ્ઞાને એવોર્ડ માટે કોઇની પસંદગી કરવામાં આવી નથી, એમ ફરિયાદમાં જણાવાયું છે.
એનસીએલ દ્વારા વેરિફિકેશન કરવાની સૂચના આપવામાં આવી હતી, જે બાદ એક ટીમે કોલેજમાં યાદવની મુલાકાત લીધી હતી અને તેમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરવા તેણે બોગસ પત્ર મેળવ્યો હોવાનું જણાયું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-4) સોમય મુંડેએ જણાવ્યું હતું કે યાદવે એવોર્ડ માટે પસંદગી તઇ હોવાનો દાવો કરતો બોગસ પત્ર તૈયાર કર્યો હતો અને પત્રમાં વિજ્ઞાન તથા ટેક્નોલોજીના રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) જિતેન્દ્ર સિંહના બોગસ હસ્તાક્ષર હોવાનું જણાયું હતું.
આ કેસની અમે તપાસ કરી રહ્યા છીએ. આમાં અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સબ-ઇન્સ્પેક્ટર સંદીપ કર્પેએ જણાવ્યું હતું કે યાદવને કોર્ટમાં હાજર કરાતાં તેને 26 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. (પીટીઆઇ)