પોર્શે કાર અકસ્માત: પુણે કોર્ટે સગીરના પિતાની કામચલાઉ જામીન અરજી ફગાવી

પુણે: પુણેમાં મે, 2024માં થયેલા પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા સગીર ડ્રાઇવરના બિલ્ડર પિતાએ તેની 79 વર્ષની માતાની તબીબી સ્થિતિને ટાંકીને કરેલી કામચલાઉ જામીન અરજી કોર્ટે બુધવારે ફગાવી દીધી હતી.
ગુનાનો પ્રકાર અને ‘પુરાવા સાથે ચેડાં કરવાની વાજબી આશંકા’ને ધ્યાનમાં લેતાં આ તબક્કે સગીરના પિતાને જામીન પર છોડવા માટે કોઇ કારણ નથી, એમ એડિશનલ સેશન્સ જજ કે. પી. ક્ષીરસાગરે જણાવ્યું હતું.
વ્યવસાયે બિલ્ડર એવા અરજદારે કહ્યું હતું કે તેની માતા ગંભીર તબીબી સ્થિતિથી પીડાઇ રહી છે. તેને કરોડરજ્જુની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. સર્જરી અગાઉ અને બાદમાં તેની હાજરી જરૂરી હોવાનું અરજીમાં જણાવાયું હતું.
જોકે તપાસકર્તા પક્ષે અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે અરજદારની માતાની બીમારી ઉંમર સાથે સંબંધિત છે અને તેના જીવને તાત્કાલિક કોઇ જોખમ નથી.
આ પણ વાંચો: પુણે પોર્શે કાર અકસ્માત: કોર્ટે સગીરનાં માતા-પિતા, અન્ય ચારના જામીન નકાર્યા
અરજદાર/આરોપીની માતાની કરોડરજ્જુની સર્જરી એ પૂર્વનિર્ધારિત સર્જરી છે. તેના પિતા, બહેન, પત્ની, પુત્ર, સાળા તેની માતાની સંભાળ રાખી શકે છે, એમ વિશેષ સરકારી વકીલ શિશિર હિરેએ દલીલ કરી હતી.
તપાસકર્તા પક્ષે એવી પણ દલીલ કરી હતી કે માતાની મેડિકલ પ્રિસ્ક્રિપ્શન 7 જુલાઇ, 2025ની છે અને જામીન માટે અરજી 8 જુલાઇ, 2025ના રોજ કરવામાં આવી છે. આરોપી દ્વારા તપાસકર્તા પક્ષના પુરાવા સાથે ચેડાં કરવાની પણ શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: પુણે પોર્શે કાર અકસ્માત: લોહીના નમૂનાની અદલાબદલી બદલ વધુ બેની ધરપકડ
કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે આરોપીની માતાની સંભાળ રાખવા માટે પરિવારના અન્ય સભ્યો ઉપલબ્ધ હતા અને તે ગંભીર સ્થિતિમાં નથી.
નોંધનીય છે કે પુણેના કલ્યાણી નગરમાં 19 મે, 2024ના રોજ બિલ્ડરના 17 વર્ષના સગીરે નશામાં પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે સોફ્ટવેર એન્જિનિયરનાં મોત થયાં હતાં. (પીટીઆઇ)