મહારાષ્ટ્ર

ગેન્ગસ્ટર ઘાયવડની સંપત્તિની પીએમએલએ હેઠળ ઇડી તપાસની પુણે પોલીસની માગણી…

પુણે: ફાયરિંગની ઘટનાને પગલે ગુનો દાખલ ખયા બાદ યુનાઇટેડ કિંગડમ ભાગી છૂટેલા ગેન્ગસ્ટર નીલેશ ઘાયવડની ગેરકાયદે સંપત્તિને લઇ પીએમએલએ હેઠળ કાર્યવાહી કરવા માટે પુણે પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)નો સંપર્ક સાધવામાં આવ્યો છે.

પુણેના કોથરુડ વિસ્તારમાં સપ્ટેમ્બરમાં ઘાયવડના સાગરીતોએ રોડ રેજની ઘટના બાદ એક શખસ પર ફાયરિંગ કરીને તેને ઇજા પહોંચાડી હતી, જ્યારે બીજા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ઘાયવડ સામે હત્યા, ખંડણી, હુમલો, ગેરકાયદે શસ્ત્રો રાખવા (આર્મ્સ એક્ટ) સહિત અનેક ગંભીર દાખલ છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે ઘાયવડે વિવિધ વ્યવહારો અને જમીન સોદામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ઘાયવડની ગેરકાયદે સંપત્તિ, બૅંક ખાતાંઓ અને ઘાયવડ જેની સાથે સંકળાયેલો છે તે અનેક કંપનીઓ વિશે અમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને પત્ર લખી જણાવ્યું છે, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર સંભાજી કદમે જણાવ્યું હતું. રાજ્યના વિવિધ ભાગોમાં ઘાયવડે અનેક જમીનના સોદા કર્યા છે.

પુણે જિલ્લા અને અહિલ્યાનગર ખાતેની ગેરકાયદે મિલકતો સંબંધી અનેક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. અમે ઇડીને વિનંતી કરી છે કે આ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
કોથરુડ પોલીસે ગયા સપ્તાહે ઘાયવડ વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લગાવ્યો હતો. બ્રિટિશ હાઇ કમિશને ગયા મહિને પુષ્ટિ આપી હતી કે ઘાયવડ ‘વિઝિટર’ વિઝા પર લંડનમાં છે. (પીટીઆઇ)

આ પણ વાંચો…પુણે પોલીસે ભાગેડુ ગેંગસ્ટર ઘાયવડને ડિપોર્ટ કરવા યુકેની મદદ માગી

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button