GBS Alert: પુણે પાલિકાએ 19 ખાનગી આરઓ વોટર પ્લાન્ટ કર્યાં સીલ
પુણે: પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને જીબીએસના કેન્દ્રસ્થાન ગણાતા નાંદેડ ગામ વિસ્તારમાં ૧૯ ખાનગી આરઓ પ્લાન્ટ સીલ કરી દીધા છે, કારણ કે આ પ્લાન્ટનું પાણી પીવા માટે અયોગ્ય હોવાની પરીક્ષણોમાં પુષ્ટિ મળી છે. બુધવારે પુણેમાં જીબીએસના ચાર નવા કેસ નોંધાયા હતા, જેનાથી મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા ૧૭૦ થઈ ગઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.
ધાયરી-નાંદેડ વિસ્તારમાં સ્થિત, હાલમાં સીલ કરાયેલ ખાનગી માલિકીના આરઓ પ્લાન્ટ્સ, આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને પાણી પૂરું પાડતા હતા. આ કાર્યવાહી બાદ, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી)ના પાણી પુરવઠા વિભાગે વિસ્તારમાં દૂષિત પાણીના વિતરણને રોકવા માટે માનક સંચાલન પ્રક્રિયાઓ ઘડવાની યોજના જાહેર કરી.
“ખાનગી રીતે સંચાલિત કેટલાક આરઓ પ્લાન્ટ્સમાંથી એકત્રિત કરવામાં આવેલા પાણીના નમૂનાઓની તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે નાંદેડ અને આસપાસના વિસ્તારમાં કાર્યરત આવા ૧૯ આરઓ પ્લાન્ટ્સનું પાણી પીવા માટે અયોગ્ય હતું. તે મુજબ, આ તમામ આરઓ પ્લાન્ટ્સને સીલ કરવામાં આવ્યા હતા અને તેમનું કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે,” પીએમસીના વધારાના કમિશનર પૃથ્વીરાજ પીબીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : પુણેમાં જીબીએસના શંકાસ્પદ મૃત્યુનો આંક છ થયો
દરમિયાન, પીએમસીના પાણી પુરવઠા વિભાગના હેડ નંદકિશોર જગતાપે જણાવ્યું હતું કે તેમને આ ૧૯ આરઓ પ્લાન્ટમાંથી એકત્રિત કરાયેલા નમૂનાઓમાં એસ્ચેરીચિયા કોલી બેક્ટેરિયા મળ્યા છે.