શીતલ તેજવાનીએ મુંઢવાની સરકારી જમીન વેચી હતી: આર્થિક ગુના શાખાએ દાખલ કરેલી ચાર્જશીટમાં ઉલ્લેખ…

પુણે: પુણેના મુંઢવા વિસ્તારમાં આવેલી જમીન સરકારની માલિકીની છે એની જાણ હોવા છતાં પાવર ઓફ એટર્ની ધરાવતી શીતલ તેજવાનીએ તે જમીન દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપનીને વેચવામાં મદદ કરી હતી, એવો ઉલ્લેખ આર્થિક ગુના શાખાએ દાખલ કરેલી ચાાર્જશીટમાં કરાયો છે.
જમીન સોદા અંગે સહી કરનારાઓ અને વિક્રેતાઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે આ કેસમાં પાર્થ પવારનું નામ સામેલ નથી.પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે આર્થિક ગુના શાખાએ 28 જાન્યુઆરીએ શીતલ તેજવાની વિરુદ્ધ 1,886 પાનાંની શાર્જશીટ દાખલ કરી હતી.
અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપીના સહ-ભાગીદાર દિગ્વિજય પાટીલ અને સસ્પેન્ડ કરાયેલા તહેસીલદાર સૂર્યકાંત યેવલે વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે 40 એકરની એ જમીન સરકારી માલિકીની છે તેની જાણ હોવા છતાં શીતલ તેજવાનીએ તેને અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપીને વેચી હતી.
ગેરરીતિઓ અને જરૂરી પરવાગની લીધી ન હોવાના આક્ષેપોને પગલે 40 એકર જમીનનો 300 કરોડ રૂપિયામાં થયેલો સોદો તપાસ હેઠળ આવ્યો હતો. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે આ જમીનની કિંમત 1,800 કરોડ રૂપિયા છે. કંપનીને સ્ટેમ્પ ડ્યૂટીમાં 21 કરોડ રૂપિયા ચૂકવવામાંથી પણ મુક્તિ આપવામાં આવી હતી.
પોલીસે કહ્યું હતું કે જમીનની પાવર ઓફ એટર્ની તેજવાની પાસે હતી અને તેણે જમીન અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપીને વેચી દીધી હતી. આ જમીન સરકારની છે અને તેને વેચી નહીં શકાય એની જાણ તેજવાનીને હતી.
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા નોંધાવાયેલી એફઆઇઆરમાં દિગ્વિજય પાટીલ, તેજવાની અને સબ-રજિસ્ટ્રાર આર.બી. તરુનાં નામ છે, જેમના પર ગેરરીતિ તેમ જ છેતરપિંડીનો આરોપ છે. ખડક પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવ્યા બાદ કેસની તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી.



