પુણેમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ મૃતદેહ હાઇવે પર ઘાટમાં ફેંકી દીધો
પુણે: પાંચ વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં, ત્રણ વર્ષ અગાઉ પુત્ર જન્મ્યા બાદ વારંવાર ઝઘડા થવા લાગતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને તેનો મૃતદેહ પુણે-બેંગલુરુ હાઇવે પર ઘાટમાં ફેંકી દીધો હતો. બીજે દિવસે પ્રેમીએ પોલીસ સ્ટેશનમાં જઇને પ્રેમિકા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે પ્રેમિકાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે કરેલી તપાસમાં તેની હત્યામાં પ્રેમીની સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પિંપરી-ચિંચવડમાં આ ઘટના બની હતી. આરોપીની ઓળખ દિનેશ ઠોંબરે તરીકે થઇ હોઇ તેણે પ્રેમિકા જયશ્રી મોરેની હત્યા બાદ ત્રણ વર્ષના પુત્રને આળંદીમાં છોડી દીધો હતો. દિનેશને પહેલી પત્નીથી બે સંતાન છે. જયશ્રીના પણ સાત વર્ષ અગાઉ લગ્ન થયાં હતાં. જોકે દિનેશનું તેની પત્ની સાથે અને જયશ્રીનું પતિ સાથે બનતું ન હોવાથી તેમનો સંસાર લાંબો ટક્યો નહોતો. એવામાં બંને જણ એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. બંને વચ્ચે મિત્રતા થઇ હતી, જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી.
દરમિયાન દિનેશ અને જયશ્રી વાકડ વિસ્તારમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં હતા અને ત્રણ વર્ષ અગાઉ જયશ્રીએ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. જયશ્રી હંમેશાં દિનેશ પાસે પૈસાની માગણી કરતી હતી અને પૈસા ન આપે તો તેને છોડી દેવાની ધમકી આપતી હતી. વારંવાર થનારા ઝઘડાથી દિનેશ ત્રાસી ગયો હતો. 24 નવેમ્બરે ભુમકર ચૌક ખાતે કારમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે ઉશ્કેરાયેલા દિનેશે જયશ્રીના માથામાં હથોડો ફટકારી દીધો હતો, જેમાં જયશ્રીનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો :મહાબળેશ્વર કરતા પણ ઠંડુગાર થયું પુણે
દિનેશ ત્યાર બાદ પુણે-બેંગલુરુ હાઇવે પર ખંબાટકી ઘાટ ખાતે પહોંચ્યો હતો અને તેણે જયશ્રીના મૃતદેહને ઘાટમાં ફેંકી દીધો હતો. ત્યાંથી તે પાછો પિંપરી-ચિંચવડ આવ્યો હતો અને બીજે દિવસે વાકડ પોલીસ સ્ટેશનમાં જયશ્રીના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.