પુણેમાં ડિલિવરી એજન્ટના સ્વાંગમાં ફ્લેટમાં પ્રવેશી આઇટી પ્રોફેશનલ પર કર્યો બળાત્કાર
ઘટનાની કોઇને જાણ કરતાં ફોટા વાયરલ કરવાની ધમકી પીડિતાને આપી

પુણે: પુણેમાં કુરિયર ડિલિવરી એક્ઝિક્યુટિવના સ્વાંગમાં અજાણ્યા શખસે બાવીસ વર્ષની આઇટી પ્રોફેશનલના ફ્લેટમાં પ્રવેશ મેળવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ પીડિતાના મોબાઇલથી સેલ્ફી લીધી હતી જેમાં તેની પીઠ અને આંશિક ચહેરો દેખાય છે.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-પાંચ) રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે આરોપીએ પીડિતાના મોબાઇલમાં મેસેજ છોડ્યો હતો, જેમાં ધમકી આપી હતી કે આ ઘટનાની જાણ કોઇને પણ ન કરે, કારણ કે મેં તારા ફોટા લીધા છે જેને હું સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઇશ. આરોપીએ એમ પણ લખ્યું હતું કે ‘હું પાછો આવીશ.’
આપણ વાંચો: વેસ્ટ ઇન્ડિઝના વર્તમાન ક્રિકેટર વિરુદ્ધ 11 મહિલાઓનો બળાત્કારનો આક્ષેપ
પુણેના કોંઢવા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં બુધવારે સાંજે 7.30 વાગ્યે આ ઘટના બની હતી અને પોલીસ હવે આરોપીની શોધ ચલાવી રહી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પીડિતાએ શહેરની કોલેજમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે અને તે ખાનગી કંપનીમાં કામ કરે છે. ઘટના સમયે પીડિતાનો ભાઇ શહેરની બહાર ગયો હોવાથી તે ફ્લેટમાં એકલી હતી.
દરમિયાન કુરિયર ડિલિવરી એજન્ટના સ્વાંગમાં આવેલા આરોપીએ બૅંક સંબંધી દસ્તાવેજો લઇને આવ્યો હોવાનું જણાવીને પીડિતાના ફ્લેટમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે પીડિતા પાસે પેન માગી હતી. પીડિતા પેન લેવા ગઇ ત્યારે આરોપીએ ફ્લેટમાં પ્રવેશ્યો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો.
આપણ વાંચો: ફ્રેન્ચ યુવતી પર બળાત્કાર: આવા બનાવોને લીધે ટુરિઝમને પડે છે ફટકો અને દેશની થાય છે બદનામી…
પીડિતા રાતે 8.30 વાગ્યે ભાનમાં આવી હતી ત્યારે તેને કશું યાદ નહોતું. તેણે બાદમાં ઘટનાની જાણ સંબંધીઓને કરી હતી, જેને પગલે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
આરોપીએ પીડિતાના મોબાઇલથી સેલ્ફી લીધી હતી અને મોબાઇલ પર મેસેજ છોડ્યો હતો, જેમાં ઘટનાની કોઇને જાણ કરતાં તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
એવી શક્યતા છે કે આરોપીએ પીડિતાને બેભાન કરવા માટે કંઇક પીવડાવ્યું હશે. આ માટે કોઇ સ્પ્રેનો ઉપયોગ કરાયો હતો કે નહીં તે પણ પોલીસ ચકાસી રહી છે.
ડીસીપી શિંદેએ જણાવ્યું હતું કે આરોપીનો સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને હાઉસિંગ સોસાયટીના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસમાં આવી રહ્યા છે. દરમિયાન મહિલાને તબીબી તપાસ માટે મોકલવામાં આવી હતી. (પીટીઆઇ)