દર્દીના મૃત્યુ બાદ પરિવારજનોએ કર્યો હૉસ્પિટલ પર પથ્થરમારો…

પુણે: પુણેમાં દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં રોષે ભરાયેલા પરિવારજનો અને સંબંધીઓએ ખાનગી હૉસ્પિટલ પર પથ્થરમારો કર્યો હતો તેમ જ કાચના મુખ્ય પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડ્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પુણેના હડપસર વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં આ ઘટના બની હતી.
હૉસ્પિટલમાં દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ પરિવારજનો ઉશ્કેરાયા હતા અને તેમણે બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને હૉસ્ટિપલના કાચના મુખ્ય પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડ્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં હડપસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અમુક લોકોને તાબામાં લીધા હતા.દર્દીના પુત્રએ કહ્યું હતું કે મારા પિતા અલ્સરની બીમારીથી પીડિતા હતા અને હૉસ્પિટલમાં તેમનું ઓપરેશન થયું હતું.
મારા પિતા સારા થઇ રહ્યા હતા, પણ હૉસ્પિટલના સ્ટાફે તેમને વ્હીલચેર પર બેસાડ્યા હતા, જેને કારણે તેમના ટાંકા તૂટી ગયા હતા. તેમની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી અને તેને કારણે મંગળવારે રાતે તેમનું મૃત્યુ થયું હતું. (પીટીઆઇ)



