પુણેમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ લઇ જતી ટ્રક સરઘસમાં ઘૂસી: યુવકનું મૃત્યુ, છ ઘવાયા

પુણે: પુણે જિલ્લામાં સ્થાનિક રાજકારણીના જન્મદિવસની ઉજવણી માટે નીકળેલા સરઘસમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ લઇ જતી ટ્રક ઘૂસી જતાં 21 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય છ જણને ઇજા પહોંચી હતી.
પુણેના જુન્નરમાં બુધવારે બપોરના આ ઘટના બની હતી અને પોલીસે બાદમાં જેનો જન્મદિવસ ઉજવાઇ રહ્યો હતો એ જિલ્લા પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ દેવરામ લાંડે, તેનો પુત્ર તથા ડીજે મ્યુઝિક સિસ્ટમ લઇ જતી ટ્રકના માલિક અને ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ આદિત્ય કાળે (21) તરીકે થઇ હતી, જે સરઘસ વખતે કરતાલ વગાડતા જૂથનો ભાગ હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ દેવરામ લાંડેના જન્મદિવસની ઉજવણી માટે બુધવારે બપોરે જુન્નરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ દરમિયાન આગળ ભીડ હોવા છતાં ડીજે મ્યુઝિક સિસ્ટમ લઇ જતી ટ્રકના ડ્રાઇવરે બેદરકારીપૂર્વક ટ્રક હંકારી હતી અને કરતાલ વગાડી રહેલા જૂથના સાત લોકોને અડફેટમાં લીધા હતા.
આ અકસ્માતમાં આદિત્ય કાળેનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય છ જણ ઘાયલ થયા હતા, એમ જુન્નર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
સરઘસનું આયોજન કરનારા દેવરામ લાંડે અને તેનો પુત્ર અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. અકસ્માત બાદ લોકો ઉશ્કેરાયા હતા અને તેમણે લાંડે તથા અન્યો સામે કાર્યવાહી કરવા માટે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસે આ પ્રકરણે લાંડે, તેના પુત્ર સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને બુધવારે રાતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
(પીટીઆઇ)