એટલે જ કહેવાય છે કે ગુસ્સા પર કાબૂ રાખોઃ પત્નીના ગુસ્સાએ પુણેના ડેવલપરનો લીધો જીવ
પૂણે : ક્રોધ, ગુસ્સો એ મનુષ્યનો મોટો દુશ્મન છે તેવું વારંવાર કહેવામાં આવે છે અને ક્યારેક ક્રોધ તમારા કે તમારા નજીકની વ્યક્તિ માટે જીવનભરનું દુઃખ સાબિત થઈ શકે છે. આવું જ થયું છે પુણેમાં જ્યા પત્નીના પળવારના ગુસ્સાએ પતિનો જીવ લઈ લીધો છે અને પત્ની માટે જીવનભરની ઉપાધિઓ અને કલ્પાંત નોતર્યા છે.
મહારાષ્ટ્રના પુણે ખાતે બનેલી આ ચોંકાવનારી ઘટનામાં 36 વર્ષીય પતિનું મોત પત્નીએ નાક પર મુક્કો મારતાં નીપજ્યું હતું. આ ઝગડાનું કારણ પતિ દુબઈ ફરવા ન લઈ ગયો હોવાનું માનવામા આવે છે. મૃતકની ઓળખ નિખિલ ખન્ના તરીકે થઈ છે, જે ડેવલપર છે. ખન્નાએ છ વર્ષ પહેલા આરોપી રેણુકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
વાનવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતકની પત્ની રેણુકા (36)નો જન્મદિવસ 18 સપ્ટેમ્બરે હતો. તે ઉજવણી કરવા માટે દુબઈ જવા માંગતી હતી, પરંતુ તેના પતિએ આ માંગ પૂરી કરી ન હતી.
આ ઉપરાંત, 5 નવેમ્બરે તેની લગ્નની વર્ષગાંઠ પણ હતી અને તે તેના પતિ પાસેથી સારી ભેટની અપેક્ષા રાખતી હતી જે પૂરી થઈ ન હતી. આ સાથે મહિલા પોતાના સંબંધીના જન્મદિવસની ઉજવણી માટે દિલ્હી જવા માગતી હતી, પરંતુ તેની તે માગણી પણ પતિએ પૂરી કરી ન હતી.
પોલીસે જણાવ્યું કે આ બાબતોને લઈને શુક્રવારે દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં મહિલાએ તેના પતિના નાક પર મુક્કો માર્યો, જેના કારણે તેને ખૂબ લોહી નીકળવા લાગ્યું અને તે બેભાન થઈ ગયો. પોલીસે જણાવ્યું કે પડોશીઓ દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ખન્નાને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
જોકે હજુ આ મૃત્યુ કઈ રીતે થયું તેની તપાસ ચાલી રહી છે અને દરમિયાન મહિલાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસે મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધાયો હોવાની માહિતી મળી છે.