
પુણે: પુણે જિલ્લાના દૌંડ તહેસીલમાં લોક કલા કેન્દ્રમાં નૃત્યના કાર્યક્રમ વખતે હવામાં ગોળીબાર કરવાની ઘટના સંદર્ભે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વિધાનસભ્યના પુત્ર સહિત ત્રણ જણની ધરપકડ કરાઇ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
યવત નજીક અંબિકા લોક કલા કેન્દ્રમાં સોમવારે રાતના આ ઘટના બની હતી, જ્યાં પરંપરાગત લાવણી અને નમાશાના કાર્યક્રમો યોજાય છે.
આ પ્રકરણે ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી એક જણે નૃત્યના કાર્યક્રમ દરમિયાન હવામાં ગોળીબાર કર્યો હતો. ચારેય જણની ઓળખ કૈલાસ ઉર્ફે બાળાસાહેબ માંડેકર, ગણપત જગતાપ, ચંદ્રકાંત માર્ણે અને રઘુનાથ અવદ તરીકે થઇ હતી.
આ પણ વાંચો: નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરમાંથી રિવોલ્વર ચોરી બાળકોએ ગોળીબાર કર્યો
કૈલાસ ઉર્ફે બાળાસાહેબ માંડેકર શંકર માંડેકરનો નાનો ભાઇ છે, જે હાલ પુણેમાં ભોર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને અજિત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના ઉમેદવાર છે.
લોક કલા કેન્દ્રમાં નૃત્યના કાર્યક્રમ દરમિયાન હવામાં ગોળીબાર કરવાનો માંડેકર પર આરોપ છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી, જેમાં કૈલાસ માંડેકર, ગણપત જગતાપ અને રઘુનાથ અવદનો સમાવેશ છે. તેમની પાસેથી શસ્ત્ર અને વાહન જપ્ત કરાયાં હતાં.
આ પણ વાંચો: જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારા લોકોના ટોળાથી ડરીને ગોળીબાર કરી ભાગી છૂટ્યા…
પોલીસના જણાવ્યા અનુસાર મહિલાઓનો નૃત્યનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે માંડેકરે રાતના 10.30 વાગ્યે નાચતી વખતે હવામાં ગોળીબાર કર્યો હતો, જેને કારણે તેને અને તેના મિત્રોને ત્યાંથી જતા રહેવું પડ્યું હતું. આ ઘટનામાં કોઇને પણ ઇજા થઇ નહોતી.
દરમિયાન રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એસપી)ના નેતા રોહિત પવારે કહ્યું હતું કે કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના 21 જુલાઇએ બની હતી, તો પોલીસ શું કરી રહી હતી? અમને જાણવા મળ્યું હતું કે લોક કલા કેન્દ્રમાં ગોળીબારની કથિત ઘટના બાદ કેન્દ્ર પર કલાકારો તેમ જ કાર્યકરોના વીડિયો શૂટ કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ત્યાં ગોળીબારની કોઇ ઘટના બની નહોતી. (પીટીઆઇ)