ગેરકાયદે કામ માટે મંત્રીનું દબાણ, મુખ્ય પ્રધાનને લખ્યો લેટર બોમ્બ
મુંબઇઃ એક સમયે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનો બનાવેલો લેટર બોમ્બ રાજ્યમાં ખૂબ જ ગાજ્યો હતો. તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઈ-મેલ મોકલીને કહ્યું હતું કે તત્કાલિન ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તેમને 100 કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ આપ્યો હતો. જે બાદ રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. હવે ફરી એક અધિકારીએ લેટર બોમ્બ ફોડ્યો છે. પુણેના સસ્પેન્ડ કરાયેલા આરોગ્ય અધિકારી ભગવાન પવારે સીધો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું છે કે ગેરકાયદેસર કામ માટે એક મંત્રી દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.
ભગવાન પવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, રાજ્યના મુખ્ય સચિવ, ઉચ્ચ મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં ભગવાન પવારે દાવો કર્યો છે કે તેઓ પછાત વર્ગના અધિકારી હોવાને કારણે મુશ્કેલી ઊભી કરવાના ઈરાદાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીએ મને પુણેમાં કાત્રજ ખાતેની તેમની ઓફિસમાં વારંવાર બોલાવ્યો હતો અને ગેરકાયદેસર ટેન્ડર કામો, ખરીદી પ્રક્રિયાના કામો અને અન્ય કામોમાં મદદ કરવા દબાણ કર્યું હતું, પરંતુ મેં ગેરકાયદેસર પ્રવૃતિઓમાં મદદ કરી ન હોવાથી અને અન્ય ગેરકાયદે પ્રવૃતિઓ કરી નહીં હોવાથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પત્રમાં ભગવાન પવારે જણાવ્યું છે કે તેમણે સસ્પેન્શન અંગે MATમાં દાવો દાખલ કર્યો છે, પરંતુ તેમની માનસિક હેરાનગતિ કરવામાં આવી હતી અને પુણે નગરપાલિકામાં મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. મંત્રીએ ઉતાવળમાં તપાસ કર્યાવિના જ અપેક્ષિત અહેવાલ મેળવીને મને સસ્પેન્ડ કરી દીધો હતો. ભગવાન પવારે પત્રમાં દાવો કર્યો છે કે તેમનું સસ્પેન્શન મંત્રીના દબાણને કારણે થયું છે. તેમને તેમનો કેસ રજૂ કરવાની કોઈ તક આપવામાં આવી ન હતી. ભગવાન પવારે પત્રમાં સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ કરી છે. ભગવાન પવારના આ પત્ર બૉમ્બ બાદ ગેરકાયદે પ્રવૃતિઓ કહેનાર મંત્રી કોણ છે? આ અંગે ચર્ચા શરૂ થઈ ગઇ છે.