મોદી, અડવાણી વિશે ‘અપમાનાસ્પદ’ ટિપ્પણી: પુણેમાં કેસ દાખલ

પુણે: લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન એનાયત કરવામાં આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અડવાણી વિરુદ્ધ કથિત સ્વરૂપે અપમાનાસ્પદ ટિપ્પણી કરવા બદલ વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગળે વિરુદ્ધ પુણેમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.
સ્થાનિક ભાજપ નેતાએ વાગળે વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા પછી એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. આ સંદર્ભે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153 એ (વિવિધ જૂથ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવી), કલમ 500 (બદનક્ષી) અને કલમ 505 (જાહેરમાં ઉપદ્રવ ફેલાવે એવા નિવેદન) હેઠળ નિખિલ વાગળે સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મામલાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.’ ભાજપના વરિષ્ઠ નેતા સુનિલ દેવધરે વિવાદાસ્પદ વિધાન બદલ 64 વર્ષના પત્રકાર વિરુદ્ધ વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. વરિષ્ઠ પત્રકારે કથિત અપમાનાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નોંધાવ્યું હતું.