પુણેમાં બસમાં બળાત્કારની ઘટના બાદ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને છોડવામાં નહીં આવે: અજિત પવાર

પુણે: પુણેમાં રાજ્ય પરિવહનની બસમાં એક મહિલા પર કથિત બળાત્કારના બનાવ બાદ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે આપી હતી. મંગળવારે વહેલી સવારે શહેરના મધ્ય ભાગમાં આવેલા સ્વારગેટ બસ સ્ટેન્ડ પર મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)ની પાર્ક કરેલી બસમાં 26 વર્ષની યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
બીજા દિવસે શિવસેના (યુબીટી)ના સ્થાનિક નેતા વસંત મોરે અને તેમના પક્ષના કાર્યકરોએ ઘટનાનો વિરોધ કરવા માટે સ્વારગેટ બસ ડેપોમાં સુરક્ષા કેબિનની તોડફોડ કરી હતી. અહીં પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું હતું કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
તપાસને પૂરી થવા દો અને તમામ હકીકતો સામે આવવા દો. તે પછી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમને બક્ષવામાં આવશે નહીં. જો કોઈ આરોપીની ધરપકડ ન થાય તો શું કોઈ પોતાના ઘરની બારીના કાચને નુકસાન પહોંચાડે છે? ‘અગાઉ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ જાહેર સંપત્તિની તોડફોડ કરે છે, તો તેનું નુકસાન આ પક્ષના કાર્યકરો અથવા પક્ષ પાસેથી વસૂલવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
આવી ઘટનાઓ પછી ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ તે ગુસ્સો વ્યક્ત કરવાના અન્ય રસ્તાઓ પણ છે, એમ પણ પવારે કહ્યું હતું.
આ પણ વાંચો : શિંદેએ કોને ટારગેટ કર્યા ખબર નહીં: અજિત પવાર…
‘અમે આ બધા લોકો સામે કાર્યવાહી કરીશું જેઓ વધુ પડતા ઉત્તેજનામાં આવીને આવી બાબતોનો આશરો લે છે,’ એમ તેમણે કહ્યું હતું. દરમિયાન, પવારના નિવેદનનો જવાબ આપતાં, શિવસેના (યુબીટી)ના વસંત મોરેએ કહ્યું કે, જો નાયબ મુખ્ય પ્રધાનને બારીના કાચને થયેલા નુકસાનની ચિંતા હોય, તો તેમણે પીડિતાના આત્મસન્માન વિશે પણ વિચારવું જોઈએ, જેને આવી ગંભીર પીડામાંથી પસાર થવું પડ્યું છે.
આ બનાવ પછી પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે રાજ્ય પરિવહન ખાતાના 23 કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. રોષ વ્યક્ત કરનારા પાર્ટીના કાર્યકર્તાઓ સામે તમારે ગુના નોંધવા હોય તો તમે એમ કરી શકો છો, અમારી સામે નોંધાનારા ગુનાથી અમે ડરતા નથી, એમ પણ તેમણે કહ્યું હતું.
પવારે અસામાજિક તત્વો દ્વારા વાહનોને પહોંચાડવામાં આવતા નુકસાન સામે કાર્યવાહી કરવી જોઈએ. પુણેમાં કોયતા ગેંગ પર નિયંત્રણ ન હોવાને કારણે શહેરમાં ધોળા દિવસે હત્યાઓ થઈ રહી છે, એમ પણ તેમણે કહ્યું હતું.