પુણેમાં કાર અકસ્માત: કોર્ટે અપહરણના કેસમાં ટીનેજરના પિતાની કસ્ટડી લેવાની પોલીસને મંજૂરી આપી

પુણે: પુણેમાં મળસકે બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડનારા 17 વર્ષના ટીનેજરના પિતા વિશાલ અગ્રવાલની તેના ડ્રાઇવરનું અપહરણ કરવા અને તેને ગોંધી રાખવાના કેસમાં કસ્ટડી લેવાની કોર્ટે સોમવારે પોલીસને મંજૂરી આપી હતી.
જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલ અને બે પબના મેનેજર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેમને જેલમાં રખાયા છે.
અપહરણ અને ખોટી રીતે ગોંધી રાખવાના કેસમાં વિશાલ અગ્રવાલનું પ્રોડક્શન વોરન્ટ મેળવવા પુણે પોલીસે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ કેસમાં વિશાલ અગ્રવાલની કસ્ટડી લેવાની મંજૂરી પોલીસને આપી હતી. આથી હવે જેલમાંથી પોલીસ તેની કસ્ટડી મેળવશે.
આ પણ વાંચો : પુણેમાં કાર અકસ્માત: ટીનેજરના દાદાની ધરપકડ, પિતા વિરુદ્ધ ગુનો
ઉલ્લેખનીય છે કે 19 મેના મળસકે ટીનેજરે પુણેના કલ્યાણી નગર જંકશન પર પોર્શે કાર હંકારીને બે જણને અડફેટે લેતાં તેમનાં મોત થયાં હતાં. ઘટના સમયે ટીનેજર દારૂના નશામાં હતો. દરમિયાન પોતાના ડ્રાઇવરને ખોટી રીતે ગોંધી રાખવા અને દોષનો ટોપલો પોતાના માથે લેવા માટે દબાણ કરી ધમકી આપવા પ્રકરણે વિશાલ અગ્રવાલ અને તેના પિતા સુરેન્દ્ર કુમાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં સુરેન્દ્ર કુમારની ધરપકડ કરાઇ હતી. (પીટીઆઇ)