ખાડાને કારણે સ્કૂટી પરથી પટકાયેલા બે જણ પર ટ્રક ફરી વળી: એકનું મોત

પાલઘર: પાલઘર જિલ્લામાં રસ્તા પરના મોટા ખાડાને કારણે સ્કૂટી પરથી પટકાયેલા બે જણ પર ટ્રક ફરી વળી હોવાની ઘટના રવિવારે સવારે બની હતી. આ અકસ્માતમાં ખાનગી કંપનીના મેનેજરનું મોત થયું હતું, જ્યારે તેનો સહકર્મી ગંભીર રીતે ઘવાયો હતો.
અકસ્માતને કારણે નાગરિકોમાં રોષ ફેલાયો હતો અને અમુક શખસોએ ટ્રકને આગ ચાંપી દીધી હતી, જેને કારણે માર્ગ પર ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હોઇ અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયેલા ટ્રક ડ્રાઇવરની શોધ ચલાવવામાં આવી રહી છે.
આપણ વાચો: નાગપુરમાં આઇઆઇએમના વિદ્યાર્થીનું અકસ્માતમાં મૃત્યુ…
અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસની ઓળખ મહેશ દેસાઇ તરીકે થઇ હતી, જે ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો, જ્યાં તેનો સહકર્મી લવકુશ વર્મા ગંભીર રીતે ઘવાયો હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર નાલાસોપારા વિસ્તારમાં રવિવારે સવારે આઠ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. મનોજ દેસાઇ તેના સહકર્મી લવકુશ વર્મા સાથે સ્કૂટી પર જઇ રહ્યો હતો ત્યારે રસ્તા પરના મોટા ખાડા સાથે સ્કૂટી અથડાતાં તેમણે સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ રસ્તા પર પટકાયા હતા. એ સમયે પાછળથી આવનારી ટ્રકનું ટાયર મહેશ દેસાઇ પરથી ફરી વળ્યું હતું અને તેનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું.
આપણ વાચો: મુંબઈ નજીક થાણેમાં અંબરનાથમાં ફ્લાયઓવર પર ભીષણ અકસ્માત, કારે ટુ વ્હીલરને કચડયા, ચારનાં મોત…
અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રક ત્યાં જ છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતને કારણે નાગરિકો રોષે ભરાયા હતા. થોડા સમય બાદ અમુક અજાણ્યા શખસો મોટરસાઇકલ પર આવ્યા હતા અને ટ્રકને આગ ચાંપી ત્યાંથી પલાયન થઇ ગયા હતા. આને કારણે માર્ગ પર ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો, એમ સાક્ષીદારે જણાવ્યું હતું.
નાગરિકોએ આ વિસ્તારમાં રસ્તાઓની ખરાબ હાલત સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે પ્રશાસનની બેદરકારીને કારણે આ બન્યું છે. તેમણે રસ્તાઓનું તાત્કાલિક સમારકામ તથા જવાબદારો સામે કાર્યવાહીની માગણી કરી હતી.
દરમિયાન અકસ્માતની જાણ થયા બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. મહેશ દેસાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી અપાયા બાદ પોલીસે આ પ્રકરણે તપાસ હાથ ધરી હતી. (પીટીઆઇ)



