નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં લગાવવામાં આવ્યા પોસ્ટર્સ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાન સભાની ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતિ મળી છે. આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું છે. જો સૂત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે અને અજિત પવાર ડે. સીએમ બનશે. જોકે, એકનાથ શિંદેના નામ પર હજી પણ સસ્પેન્સ છે. એમ પણ જાણવા મળ્યું છે કે અજિત પવારને બે ત્રણ મોટા મંત્રાલયો આપીને મનાવી લેવાશે.
દરમિાન એમ પણ જાણવા મળ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસના નામ પર પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છએ. નોન- મરાઠા સીએમ સાથે આગામી ચૂંટણી કેવી રીતે જીતવી એની ચર્ચા કરવામાં આવી રહી છે. દરમિયાન નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસના નામના પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને તેમને રાજ્યના સીએમ માટે યોગ્ય પસંદગી ગણાવવામાં આવ્યા છે. ફડણવીસને દેવા ભાઉ, આધુનિક અભિમન્યુ એવા ઉપનામો આપવામાં આવ્યા છે.તેમના નિવાસ સ્થાને મહારાષ્ટ્રના મહાવિજયના સર્જનહાર જેવા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.
નાગપુર ખાતે ફડણવીસના નિવાસસ્થાન ધરમપેઠ વિસ્તારમાં એક મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં તેમને આ મહાવિજયના આર્કિટેક્ટ, ભાવિ મુખ્ય પ્રધાન દેવાભાઈ તરીકે વર્ણવવામાં આવ્યા છે. શિંદેસાનાના વિધાન સભ્ય એડવોકેટ આશિષ જયસ્વાલ અને ભાજપના વિધાનસભ્ય ચૈનસુખ સંચેતીએ ફડણવીસને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યના રખેવાળ પ્રધાન એકનાથ શિંદેએ તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યા પછી એમ માનવામાં આવે છે કે દેવેન્દ્ર ફડણવીસનો મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. કેટલાક પોસ્ટરોમાં તેમને મહારાષ્ટ્રના આધુનિક અભિમન્યુ ગણાવવામાં આવ્યા છે, જેણે ચક્રવ્યુહમાં પ્રવેશી યુદ્ધ જીતી લીધું છે.
આ પણ વાંચો…જીતમાં હમ સબ સાથ સાથ હૈ, હારી ગયા તો આવજોઃ MVAનું બંધન તૂટવાની અણી પર
ફડણવીસના પરિવારના સભ્યો મુંબઇ પહોંચી ગયા છે. ફડણવીસ ગઇ કાળે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા નાગપુર ગયા હતા અને સાંજે તેઓ નાગપુરથી તેમની માતા સાથે મુંબઇ પરત આવ્યા હતા. ફડણવીસના નજીક મનાતા લોકો મુંબઇ પહોંચવા લાગ્યા છે.
અગાઉ એમ જાણવા મળ્યું હતું કે એકનાથ શિંદે તેમના પુત્ર શ્રીકાંત શિંદેને ડે. સી. એમ બનાવવા માગે છે, પણ તેમના પક્ષે જ આનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે તેઓએ ઉદ્ધવ ઠાકરેને તેમના પુત્ર પ્રેમને કારણે છોડી દીધા હતા અને હવે જો એકનાથ શિંદે પણ તેમના રસ્તે ચાલીને તેમના પુત્રને ડેપ્યુટી સીએમ બનાવશે તો તેનાથી પાર્ટીની છબી ખરાબ થશે.