પુણેમાં પોર્શે કાર અકસ્માત: સગીરના પિતા-દાદાના જામીન મંજૂર, પણ છેતરપિંડીના કેસમાં હવે પિતાની ધરપકડ
પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માત બાદ પરિવારના ડ્રાઇવરનું અપહરણ કરવા અને તેને ખોટી રીતે ગોંધી રાખવાના કેસમાં 17 વર્ષના સગીરના પિતા અને દાદાના પુણે કોર્ટે મંગળવારે જામીન મંજૂર કર્યા હતા. દરમિયાન પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં સગીરના પિતાની પિંપરી-ચિંચવડ પોલીસે હવે ધરપકડ કરી છે.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે (ફર્સ્ટ ક્લાસ) સગીરના પિતા વિશાલ અગ્રવાલ અને દાદાના જામીન મંજૂર કર્યા હતા. મે મહિનાના અંતમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ડ્રાઇવર 19 મેની રાતે પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યો ત્યારે સગીરના પિતા અને દાદાએ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં તેને બંગલામાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને અકસ્માત સમયે સગીર નહીં, પણ પોતે કાર હંકારી રહ્યો હતો એવું કબૂલ કરવા માટે તેના પર દબાણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે 19 મેના મળસકે કલ્યાણીનગરમાં સગીરે પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેડમાં લેતાં બે સોફ્ટવેર એન્જિનિયરનાં મોત થયાં હતાં.
બચાવપક્ષના વકીલ પ્રશાંત પાટીલે કહ્યું હતું કે અપહરણ અને ખોટી રીતે ગોંધી રાખવાના કેસમાં તેમના અસીલને કોર્ટે જામીન આપ્યા છે.
દરમિયાન પિંપરી-ચિંચવડ પોલીસે મંગળવારે સગીરના પિતા વિશાલ અગ્રવાલની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. પોલીસે જેલમાંથી અગ્રવાલનો તાબો લીધા બાદ તેને કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
અગ્રવાલની કંપની દ્વારા બાવધન વિસ્તારમાં હાથ ધરાયેલા પ્રોજેક્ટ નેન્સી બ્રહ્મા રેસિડન્સીના ચેરમેન વિશાલ અડસુલે અગ્રવાલ અને અન્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)