Porsche Car Accident: હોસ્પિટલના 3 કર્મચારી સામે કેસ ચલાવવા પોલીસને મળી મંજૂરી

પુણે: મે મહિનામાં પુણેમાં થયેલી પોર્શે કાર દુર્ઘટના કેસમાં શહેરની સસૂન હોસ્પિટલના કર્મચારી ડૉ.અજય તાવરે, ડૉ. શ્રીહરી હળનોર અને અતુલ ઘટકાંબળે સામે કેસ ચલાવવા મહારાષ્ટ્ર સરકારે પુણે પોલીસને મંજૂરી આપી હોવાની જાણકારી સ્થાનિક અદાલતને આપવામાં આવી હતી.
શહેરના કલ્યાણી નગર વિસ્તારમાં 19 મેની વહેલી સવારે દારૂના નશામાં ધૂત 17 વર્ષના એક છોકરાએ કથિત રીતે ચલાવેલી પોર્શે કાર ટુ-વ્હીલર સાથે અથડાવાથી તેના પર સવાર બે આઇટી કર્મચારી મૃત્યુ પામ્યા હતા.
આલ્કોહોલ પરીક્ષણ અર્થહીન સિદ્ધ કરવા માટે સગીરના લોહીના નમૂનાની અદલા બદલી કરવામાં સામેલ હોવાનો આરોપ તાવરે, હળનોર અને ઘટકાંબળે પર મુકવામાં આવ્યો છે.
વિશેષ સરકારી વકીલ એડવોકેટ શિશિર હિરેએ જણાવ્યું હતું કે ‘પોલીસને આ કેસમાં તાવરે, હળનોર અને ઘટકાંબળે સામે કેસ ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ હોવાની રજૂઆત અમે ગુરુવારે અદાલતમાં કરી હતી.
આ પણ વાંચો : પુણેમાં પાણીની મોટી ટાંકી થઇ ધરાશાયી, બેના મોતની આશંકા
સરકારી કર્મચારીઓ સામે કેસ ચલાવવા અથવા આરોપો ઘડવા માટે આવી મંજૂરી મેળવવી બંધનકર્તા છે.’ આ કેસમાં તાવરે, હળનોર, ઘટકાંબળે, કિશોરના માતા-પિતા અને બે વચેટિયાઓ જેલમાં છે.
(પીટીઆઈ)