મહારાષ્ટ્ર

પુણેમાં કાર અકસ્માત: ટીનએજરની પૂછપરછ માટે પોલીસે જુવેનાઈલ,જસ્ટિસ બોર્ડ પાસે પરવાનગી માગી

પુણે: પુણેમાં પોર્શે કારથી બે સોફ્ટવેર એન્જિનિયરને કચડવાના કેસમાં બ્લડ સૅમ્પલ્સ મામલે નવો વળાંક આવતાં પુણે પોલીસે ટીનએજરની પૂછપરછ માટે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (જેજેબી) પાસે લેખિત પરવાનગી માગી હતી.

પોલીસના જણાવ્યા મુજબ 17 વર્ષના સગીરે નશામાં કાર ચલાવીને બે જણને અડફેટે લીધા હતા. આ કેસમાં ટીનએજરને પાંચમી જૂન સુધી બાળસુધારગૃહમાં મોકલી દેવાયો છે.

એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) શૈલેષ બાળકવડેએ જણાવ્યું હતું કે અમે જે. જે. બોર્ડને પત્ર લખીને આ કેસમાં સગીરની પૂછપરછ કરવા દેવાની પરવાનગી માગી છે.

જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ અનુસાર સગીરની પૂછપરછ તેના વડીલોની હાજરીમાં કરવી પડે છે. સસૂન હૉસ્પિટલમાં ડૉક્ટરોએ લોહીના નમૂના બદલી કર્યા તે સહિતના મુદ્દા પર પોલીસ ટીનએજરની પૂછપરછ કરવા માગે છે. આ પ્રકરણે બે ડૉક્ટરની પણ ધરપકડ કરાઈ હતી. (પીટીઆઈ)

આ પણ વાંચો : પુણેમાં કાર અકસ્માત: જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યોની તપાસ માટે સમિતિ નીમાઇ

ટીનએજરના પિતા-દાદાને
14 દિવસની અદાલતી કસ્ટડી

પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા ટીનએજરના બિલ્ડર પિતા અને દાદાને કોર્ટે 14 દિવસની અદાલતી કસ્ટડી ફટકારી હતી. ડ્રાઈવરના કથિત અપહરણ અને બંધક બનાવવા પ્રકરણે પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડર વિશાલ અગ્રવાલ અને તેના પિતા સુરેન્દ્રકુમારની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી શુક્રવારે બન્નેને જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) એ. એ. પાંડે સમક્ષ હાજર કરાયા હતા.

પોલીસ અનુસાર 19 મેના રોજ પુણેના કલ્યાણી નગરમાં લક્ઝુરિયસ કારે બાઈકને અડફેટે લેતાં બે સોફ્ટવેર એન્જિનિયરનાં મૃત્યુ થયાં હતાં. ઘટના સમયે ડ્રાઈવર ટીનએજરની બાજુમાં બેઠો હતો. તેથી અકસ્માત પછી આરોપીઓએ ડ્રાઈવરને જવાબદારી પોતાના માથે લેવા દબાણ કર્યું હતું. ડ્રાઈવરનું કથિત અપહરણ કરી આરોપીઓએ વડગાંવ શેરી વિસ્તારમાં આવેલા પોતાના બંગલોના સર્વન્ટ ક્વાર્ટરમાં બંધક બનાવી રાખ્યો હતો. ડ્રાઈવરની પત્નીએ આવીને પતિને છોડાવ્યો હતો.
આરોપીની કસ્ટડી વધારવાની માગણી કરતાં પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપી તપાસમાં સહકાર આપતા નથી. હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. તેથી વધુ કસ્ટડીની જરૂર છે.

જોકે અગ્રવાલના વકીલે કેસની તપાસ કરવા માટે પોલીસને પૂરતો સમય મળ્યો હોવાથી હવે વધુ પોલીસ કસ્ટડીની જરૂર ન હોવાની દલીલ કરી હતી. (પીટીઆઈ)

પોલીસ કમિશનરની તાત્કાલિક બદલીની
નિવૃત્ત આઈએએસ અધિકારીની માગણી

પુણે: પોર્શે કાર અકસ્માતમાં બે જણનો ભોગ લેવાયો તે પ્રકરણમાં પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારની બદલીની માગણી કરતો પત્ર નિવૃત્ત આઈએએસ અધિકારી અરુણ ભાટિયાએ માનવાધિકાર પંચને લખ્યો હતો.

સગીરને બચાવવા માટે પુરાવાનો નાશ કરવામાં સંકળાયેલા ઉચ્ચ સ્તરીય પ્રશાસનમાં પોલીસના ભ્રષ્ટાચારનું આ વિકૃત અને બિહામણું પ્રદર્શન છે, એવું ભાટિયાએ પત્રમાં નોંધ્યું હતું.

માનવાધિકાર પંચના અધ્યક્ષને આપેલા પત્રમાં ભાટિયાએ લખ્યું છે કે તમારી મધ્યસ્થીની જરૂર છે, કારણ કે આ ઘટનાથી અમને આંચકો લાગ્યો છે. આપણી અસલામતી વધી છે અને આપણા પ્રશાસન અને લોકશાહીનો બિહામણો ચહેરો જોવા મળ્યો છે.

આ મામલામાં પોલીસ અધિકારીઓ અને વરિષ્ઠ ડૉક્ટરો આરોપીને બચાવવા એકત્ર આવ્યા હતા. લોહીનું પરીક્ષણ લેવા પૂર્વે પોલીસે આરોપીને પિઝા ખવડાવ્યા, પછી લોહીના નમૂનાની ડૉક્ટરોએ અદલાબદલી કરી દીધી, સાક્ષીદારો અને કારમાં બેઠેલાઓનાં નિવેદન નોંધવામાં વિલંબ કરવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button