મહારાષ્ટ્ર
જુગારના અડ્ડા પર રેઇડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો

વર્ધા: વર્ધા જિલ્લામાં ઘરમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રેઇડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર તલવાર અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.
જિલ્લાના મેઘે ગામમાં ગુરુવારે સાંજે આ ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે 23 લોકોની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વર્ધાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અનુરાગ જૈને જણાવ્યું હતું કે સવાંગી પોલીસ સ્ટેશનની હદમાં બોરગાંવ મેઘે ખાતે આવેલા એક ઘરમાં જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે ત્યાં રેઇડ પાડી હતી.
એ સમયે ત્યાં હાજર કેટલાક લોકોએ પોલીસ ટીમ પર તલવાર અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં બે પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી.
દરમિયાન પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ત્રણ મહિલા સહિત 23 લોકોની ધરપકડ કરી હતી અને વધુ તપાસ આદરી હતી. (પીટીઆઇ)