વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં આરએસએસના સ્થાપક ડો. કે. બી. હેડગેવારના સ્મારકની મુલાકાત લેશે અને માધવ નેત્રાલય પ્રિમિયમ સેન્ટરની વિસ્તારિત ઈમારતનો શિલાન્યાસ કરશે.
હેડગેવાર અને આરએસએસના બીજા સરસંઘચાલક એમ. એસ. ગોલવળકરના સ્મારકો નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં ડો. હેડગેવાર સ્મૃતિ મંદિરમાં આવેલા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સ્મારકોની મુલાકાત 30 માર્ચે લેશે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે આની માહિતી આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…
વડા પ્રધાન સવારે 9.30 વાગ્યે અહીં આવશે, તેઓ માધવ નેત્રાલય પ્રિમિયમ સેન્ટરની વિસ્તારિત ઈમારતનો શિલાન્યાસ કરશે. તેઓ આરએસએસના ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે તેમ જ દિક્ષા ભૂમિ અને સોલાર એક્સપ્લોઝિવ પ્લાન્ટની પણ મુલાકાત લેશે.
મોદીના સ્વાગત માટે શહેરના 47 ચોકમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું. આ પહેલી વખત બની રહ્યું છે કે વડા પ્રધાનપદે રહેલી કોઈ વ્યક્તિ ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે.
અટલ બિહારી વાજપેયીએ સ્મારકની મુલાકાત 2007માં લીધી હતી, પરંતુ ત્યારે તેઓ વડા પ્રધાન નહોતા. મોદીએ પ્રચારક તરીકે સ્મારકની મુલાકાત લીધી છે, પરંતુ વડા પ્રધાન બન્યા પછી તેઓ પહેલી વખત આવી રહ્યા છે, એવી જાણકારી આરએસએસના આંતરિક સૂત્રો પાસેથી મળી હતી.