ફલટણ આત્મહત્યા: હાથ પરનું લખાણ ડોક્ટરનું જ, ઉત્પીડનમાં કરાયું હતું: મુખ્ય પ્રધાન…

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે ફલટણમાં આત્મહત્યા કરીને મૃત્યુ પામેલી મહિલા ડોક્ટર દ્વારા હથેળી પર છોડવામાં આવેલી સ્યુસાઈડ-નોટ પરનું હસ્તાક્ષર તેનાં પોતાનાં હોવાનું ચકાસવામાં આવ્યું છે અને પોલીસ અને સોફ્ટવેર એન્જિનિયર, જેમના નામ તેમાં લખવામાં આવ્યા છે, તેઓ તેને હેરાન કરવામાં સંડોવાયેલા હતા એવું સ્પષ્ટ થઈ રહ્યું છે.
મુખ્ય પ્રધાને વિધાનસભામાં ભાજપના વિધાનસભ્ય અમિત સાટમ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં આમ કહ્યું હતું.સરકારી હોસ્પિટલની ડોક્ટર ઓક્ટોબરમાં પશ્ર્ચિમ મહારાષ્ટ્રના ફલટણ શહેરની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેની હથેળી પર લખેલી સુસાઇડ નોટમાં, તેણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાનેએ તેના પર અનેક વખત બળાત્કાર કર્યો હતો, જ્યારે સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બાંકરે તેને માનસિક રીતે હેરાન કરી હતી.
સાટમે સવાલ કર્યો હતો કે શું નોટમાં લખેલા હસ્તાક્ષર અને તેમાં ઉલ્લેખિત પુરુષો તેના મૃત્યુમાં સામેલ હતા.
‘ડોક્ટરે તેના હથેળીમાં સ્યુસાઈડ નોટ લખી હતી અને તેમાં બે નામોનો ઉલ્લેખ હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે હસ્તાક્ષર તેના હાથ સાથે મેળ ખાય છે,’ એમ ફડણવીસે જણાવ્યું હતું.
‘તપાસમાં ખુલાસો થયો છે કે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાણેએ લગ્નનું વચન આપીને તેનું જાતીય શોષણ કર્યું હતું. એવું જાણવા મળ્યું છે કે બીજા આરોપી (બાંકર) એ પણ તેની સાથે છેતરપિંડી કરી હતી. અત્યાર સુધીની તપાસ મુજબ, તેનું મૃત્યુ ગળું દબાવવાથી નહીં પણ ફાંસીથી થયું હતું. જો કે, અમે અદાલતી તપાસનો આદેશ આપ્યો છે જેથી જાણી શકાય કે શું અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે,’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે એક મહિલા આઈપીએસ અધિકારી આ કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…ડોક્ટર આત્મહત્યા કેસમાં ભૂતપૂર્વ સાંસદ રણજીત નિમ્બાલકરના ઉલ્લેખ પર સીએમ ફડણવીસનો ફલટણથી સ્પષ્ટ જવાબ



