પગ ધોઈને પાણી પીઓ, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા જરૂર મળશે: સ્ટીંગ ઓપરેશનમાં અંધશ્રદ્ધાનો ભાંડો ફૂટ્યો
પુણે: પુણેના પાષાણ જેવા ઉચ્ચ વિસ્તારમાં કન્સલટન્સીના નામે જદુટોણાં ચાલી રહ્યા હતા. વૃષાલી ઢોલે શિરસાઠ નામની યુવતી ઘણાં યુવાનોને ફસાવી રહી હતી. સ્પર્ધાતમક પરીક્ષામાં સફળતા મેળવવા માટે દોરા ધાગા બાંધી રાખ ખાવા આપતી હતી. પગ ધોયેલું પાણી પીવા આપતી હતી. તેની પાસે અજ્ઞાત શક્તિ છે એમ કહી યુવકોને મૃત્યુંનો ડર બતાવતી હતી. એક યુવકને તેણે દોઢલાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. ત્યાર બાદ તેને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમતીએ સ્ટિંગ ઓપરેશન કરી યુવતીની કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો.
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમતીના કાર્યકર્તા વિશાલ વિમળને વૃષાલી અને તેના સાથીદારો જાદુટોણાં કરી લોકોને ફસાવતા હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ વિશાલ વિમલ અને જેને ફસાવવામાં આવ્યો હતી એ યુવક તથા સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ વૃષાલીની ઓફિસમાં દાખલ થયા હતા.
એ વખતે રિસેપ્શનિસ્ટ માયા ગજભિયે અને સતીષ વર્મા બહારના રૂમમાં બેઠા હતા. વિશાલને જાણકારી આપવાના એક હજાર રૂપિયા ભરવા પડ્યા હતા. ત્યાર બાદ વિશાલ ને અંદરની રૂમમાં જવા માટે કહેવામાં આવ્યું હતું. અંદરની રૂમમાં વૃષાલી ઢોલે એ વિશાલને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો નહતો અને સીધા તેને હાથમાં દોરો બાંધી તેને રાખ ખાવા આપી હતી. વિશાલે આ સમયે વૃષાલીને રંગે હાથ પકડીને પોલીસને અંદર બોલાવ્યા હતા. પોલિસે જાદુટોણાની સામગ્રી જપ્ત કરી પંચનામુ કર્યું હતું.