પાર્થ પવાર સામે કેસ કેમ નોંધવામાં ન આવ્યો?

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એફઆઈઆરમાં નામ ન હોવાનો ફરક પડતો નથી ચાર્જશીટમાં બધી સ્પષ્ટતા થશે
પુણે: પુણેના મુંઢવામાં જમીન છેતરપિંડીનો કેસ રાજ્યભરમાં ચર્ચાઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર આ કેસમાં સંડોવાયેલા છે. પાર્થ પવારની કંપની અમેડિયા અને પાર્થ પવારના સહયોગીઓ, આ જમીન વ્યવહારમાં સામેલ અધિકારીઓ અને જમીન વેચનાર સામે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પાર્થ પવાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
પાર્થ પવાર સામે કાર્યવાહી ન થવાને કારણે સરકાર પર સતત પ્રશ્ર્નો પૂછવામાં આવી રહ્યા છે. પાર્થ પવારને ટેકો આપવા બદલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા થઈ રહી છે. હવે મુખ્ય પ્રધાને પોતે આ અંગે સ્પષ્ટતા આપી છે. તેઓ મુંબઈમાં ‘અનસ્ટોપેબલ મહારાષ્ટ્ર’ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આ પુણેમાં જમીન વ્યવહારનો કેસ છે. આ કેસ પ્રકાશમાં આવ્યા પછી, સરકારે આ મામલે કાર્યવાહી કરવામાં એક મિનિટ પણ બગાડી નહોતી. લોકો માગણી કરે તે પહેલાં જ મેં આ મામલે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ, તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો. કોઈપણ કાનૂની કાર્યવાહીમાં એફઆઈઆર એ પહેલું પગલું છે. જોકે, એફઆઈઆરમાં નામનો ઉલ્લેખ કરવાનો અર્થ એ નથી કે તે દોષી છે અને એફઆઈઆરમાં નામ ન હોવાનો અર્થ એવો થતો નથી કે તે દોષી નથી.
આ પણ વાંચો: પાર્થ પવારને કોઈ ક્લીન ચીટ મળી નથી…
ચાર્જશીટ દ્વારા આરોપીની ઓળખ થાય છે: ફડણવીસ
આ કેસમાં સરકારી જમીન વેચનાર વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આવી જ રીતે ખરીદનાર વતી સહી કરનાર વ્યક્તિ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે, આ કેસમાં મદદ કરનારા અધિકારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. હવે આ કેસની તપાસ કરવામાં આવશે. આ કેસમાં અન્ય ગુનેગારોના નામનો ઉલ્લેખ કરવામાં આવશે. ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. આ ચાર્જશીટ નક્કી કરશે કે આ કેસમાં આરોપી કોણ છે. એફઆઈઆર આરોપી નક્કી કરતી નથી. ચાર્જશીટ આરોપી નક્કી કરે છે.
આ કેસમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં: મુખ્યમંત્રી
જ્યારે ચાર્જશીટ તૈયાર થાય છે અને તેમાં નામ લખાય છે, ત્યારે પોલીસે કહેવું પડે છે કે ફલાણા વ્યક્તિને આરોપી કેમ બનાવવામાં આવ્યો, ફલાણા વ્યક્તિને આરોપી કેમ ન બનાવવામાં આવ્યો. અમે આ કેસમાં કોઈને પણ બક્ષીશું નહીં, કોઈને બક્ષવાનું કોઈ કારણ પણ નથી. આ કેસમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો પુરાવા આપવામાં આવશે, તો અમે તેનો સ્વીકાર કરીશું
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, આ સામાજિક કાર્યકર અંજલી દમણિયા અને આરોપો લગાવનારા કેટલાક અન્ય લોકોએ કેટલાક પુરાવા આપ્યા છે અને જો તે સાચા હશે, તો આ કેસમાં કાર્યવાહી દરમિયાન તેનો સ્વીકાર કરવામાં આવશે. દમણિયાને તેમના મુદ્દા રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જો તેમના સહિત કોઈ પણ આ ગુના સંબંધિત પરિસ્થિતિજન્ય અને સચોટ પુરાવા આપશે, તો અમે તેનો સ્વીકાર કરીશું.



