પરભણીમાં તોડફોડ-હિંસા: ત્રણ કેસ, ૫૧ જણની ધરપકડ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

પરભણીમાં તોડફોડ-હિંસા: ત્રણ કેસ, ૫૧ જણની ધરપકડ

છત્રપતિ સંભાજીનગર: પરભણીમાં બંધારણની પ્રતિકૃતિની તોડફોડને કારણે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો પ્રકરણે અત્યાર સુધી ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે ઓછામાં ઓછા ૫૧ જણની ધરપકડ કરાઇ છે, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.
પરભણી રેલવે સ્ટેશનની બહાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્મારકની બાજુમાં આવેલી બંધારણની પ્રતિકૃતિની કરાયેલી તોડફોડ બાદ મધ્ય મહારાષ્ટ્રમાં હિંસા ફાટી નીકળી હતી. રસ્તા પર આગ લગાવવામાં આવી હતી, દુકાનોની તથા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના કાર્યાલયની પણ તોડફોડ કરાઇ હતી.

‘હિંસક પ્રદર્શનો પ્રકરણે અત્યાર સુધી ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે ૫૧ જણની ધરપકડ કરવામાં આવી છે. તપાસ હજી ચાલી રહી છે તેથી વધુ ધરપકડ પણ થઇ શકે છે. અમે અમુક વીડિયોની પણ તપાસ કરી રહ્યા છે’, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : બંધારણનું અપમાન કરવા મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં ફાટી નીકળી હિંસા, તોડફોડના બનાવ…

હિંસામાં સામેલ લોકોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા કોઇ ટીમ તહેનાત કરાઇ નથી. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે અને વધુ હિંસાના કોઇ અહેવાલ નથી. તેમ છતાં શહેરમાં એક સાથે પાંચ માણસો ભેગા નહીં થવાના પ્રતિબંધિત આદેશ ચાલુ જ રહેશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.  
(પીટીઆઇ)

Back to top button