પનવેલમાં 10 કલાકનો હાઇ ડ્રામા: હત્યાકેસના આરોપીએ મિલકત વિવાદમાં પોતાના જ પરિવારજનોને બંધક બનાવ્યા
બચાવવા આવેલા ચાર પોલીસ કર્મચારી હુમલામાં થયા ઘાયલ

મુંબઈ: જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ હત્યાકેસના આરોપીએ મિલકતના વિવાદમાં પોતાના જ પરિવારજનોને બંધક બનાવ્યા હોવાની ઘટના પનવેલ વિસ્તારમાં બની હતી. બંધકોને છોડાવવા માટે આવેલી પોલીસ ટીમ પર આરોપીએ કુહાડી અને કોયતાથી હુમલો કરતાં ચાર પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.
આરોપીએ પોતાની સગીર ભત્રીજીના ગળા પર દાતરડું રાખીને પોલીસકર્મીઓને ધમકાવ્યા પણ હતા. રાતે 10 વાગ્યે શરૂ થયેલું રેસ્ક્યુ ઑપરેશન બીજે દિવસે વહેલી સવારના છ વાગ્યે પૂરું થયું હતું. પોલીસ ટીમે આરોપીને વહેલી સવારે ઝડપી પાડીને બંધકોને છુટકારો કરાવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: મિલકત વિવાદને લઇ પતિએ કરી પત્નીની હત્યા
રાયગડ જિલ્લાના જૂના પનવેલમાં ગોડસે અલી વિસ્તારમાં બુધવાર રાતથી ગુરુવારે વહેલી સવાર દરમિયાન આ ઘટના બની હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-2, પનવે) પ્રશાંત મોહિતેએ કહ્યું હતું કે પનવેલ વિસ્તારમાં મંગલા નિવાસ ઇમારતમાં રહેનારા ભાઇના ઘરે બુધવારે રાતે 8.30 વાગ્યે આરોપી સોબન બાબુલાલ મહાતો (35) કુહાડી અને દાતરડું લઇ ઘૂસીને આવ્યો હતો. આરોપીએ બાદમાં તેનાં માતા-પિતા, ભાઇ, ભાઇના ત્રણ સંતાનને બંધક બનાવ્યાં હતાં.
દરમિયાન બનાવની જાણ પનવેલ શહેર પોલીસને કરાતાં અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આરોપી સોબનને સમજાવીને શરણે આવવા માટે કહ્યું હતું, પણ તે માન્યો નહોતો. ઘટનાની ગંભીરતાને જોતા ત્યાં વધારાની પોલીસ કુમક બોલાવવી પડી હતી અને બંધકોને છોડાવવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ કર્મચારીઓ પર આરોપીએ કુહાડી અને દાતરડાથી હુમલો કર્યો હતો, જેમાં કોન્સ્ટેબલ રવીન્દ્ર પારધી, માધવ શેવાળે તેમ જ સાઇનાથ મોકળને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે સમ્રાટ ડાકીના હાથમાં ઊંડો ઘા થયો હતો.
આપણ વાંચો: હૈદરાબાદમાં સંપત્તિના વિવાદમાં ખેલાયો ખૂની ખેલઃ જાણીતા ઉદ્યોગપતિ પર પૌત્રએ છરીના 70 ઘા માર્યાં
એક પોલીસ કર્મચારીએ એ સમયે આરોપી પર મરચાંની ભૂકી ફેંકી હતી, પણ તેની કોઇ અસર થઇ નહોતી. બાદમાં અગ્નિશમન દળના જવાનોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા અને દરવાજો તોડવામાં આવ્યો હતો.
ઘરમાં આરોપીએ પોતાની 16 વર્ષની ભત્રીજીના ગળા પર દાતરડું રાખેલું જોઇને કોન્સ્ટેબલ ડાકી અને મોકળ તેના પર તૂટી પડ્યા હતા અને તેને પકડી પાડ્યા બાદ બંધકોનો છુટકારો કરાવવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ કરેલા હુમલામાં ઘવાયેલા પોલીસ કર્મચારીઓને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સરકારી કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવા બદલ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ હતી. સોબન 2018ના હત્યાકેસનો આરોપી છે અને તાજેતરમાં તે જામીન પર છૂટ્યો હતો.