મરાઠવાડા માટે પંકજા મુંડેની મુખ્ય પ્રધાન પાસે મોટી માગણી; ફડણવીસે ખાતરી આપી
મુંબઈ: રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ જંગી જીત મેળવી હતી. આ પછી ભાજપના દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. બીજી તરફ એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. નવી સરકારમાં શપથ લીધા પછી, ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડે મરાઠવાડામાં દુષ્કાળ, બેરોજગારી અને સ્થળાંતર કામદારોના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ માટે મુખ્ય દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ અવસર પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ પંકજા મુંડે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ઉકેલવા પર વિશેષ ધ્યાન આપશે.
આ પણ વાંચો: બટેંગે તો કટંગે પર વિભાજિત થઇ ગઇ મહારાષ્ટ્ર ભાજપ, પંકજા મુંડેએ….
ભાજપના વિધાન પરિષદના વિધાનસભ્ય પંકજા મુંડેએ મુંબઈમાં રવિવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી અને તેમને મુખ્ય પ્રધાન બનવા બદલ અભિનંદન આપ્યા હતા. એક્સ પર એક પોસ્ટમાં, પંકજા મુંડેએ કહ્યું હતું કે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળીને તેમને અભિનંદન આપ્યા હતા, આ પ્રસંગે તેમણે મરાઠવાડામાં દુષ્કાળ રાહત અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત વિસ્તારો અને સ્થળાંતરિત કામદારોની સમસ્યાઓ પર વિશેષ ધ્યાન આપવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો: મરાઠા અનામત મુદ્દે પંકજા મુંડેએ શરદ પવારને કર્યો આ સવાલ?
છ મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પંકજા મુંડે ભાજપની ટિકિટ પર બીડથી ચૂંટણી લડ્યા હતા. જો કે, તે ચૂંટણીમાં એનસીપી (શરદ પવાર)ના બજરંગ સોનાવણેએ પંકજા મુંડેને હરાવ્યા હતા. ત્યારપછીની વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપ દ્વારા પંકજાને તક આપવામાં આવી હતી અને સાડા ચાર વર્ષ બાદ તેઓ ફરી એકવાર વિધાનસભામાં પરત ફર્યા હતા.
કેબિનેટમાં તક મળશે?
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ બેઠકો મેળવી હોવાથી તેમને પ્રધાનમંડળમાં પણ વધુ બેઠકો મળશે. તેથી ભાજપના અનેક સભ્યોએ પ્રધાનપદું મળે તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. દરમિયાન, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આ પહેલાં પ્રધાન રહી ચૂકેલા પંકજા મુંડેને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં સ્થાન મળશે. હવે જોવાનું રહે છે કે તેમને સ્થાન અપાય છે કે નહીં.