મહારાષ્ટ્ર

મનોરમાં માણસોને જંગલી ડુક્કર સમજીને ગોળીએ દીધા

પાલઘર: પાલઘર જિલ્લામાં મનોરના જંગલમાં બનેલી આંચકાજનક ઘટનામાં ગામવાસીઓએ જંગલી ડુક્કર ધારીને પોતાના જ સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક ગામવાસીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હોવાનું મનાય છે. આ ઘટનાની સઘન તપાસ કરવા પોલીસે છ શકમંદોને તાબામાં લીધા હતા.
પાલઘરના સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર (એસડીપીઓ) અભિજિત ધારાશિવકરે જણાવ્યું હતું કે ઘટના 28 જાન્યુઆરીની રાતે મનોરના બોરશેતી જંગલમાં બની હતી. અમુક ગામવાસીઓ જંગલી ડુક્કરનો શિકાર કરવા જંગલમાં ગયા હતા.

આ પણ વાંચો: પાલઘરમાં ઇયરફોન પહેરીને રેલવે ટ્રેક ક્રોસ કરતા 16 વર્ષની સગીરાનું મોત

ડુક્કરોને શોધીને મારવા માટે ગામવાસીઓ જંગલમાં અલગ અલગ જૂથમાં વહેંચાઈ ગયા હતા. ડુક્કરની શોધ દરમિયાન જંગલમાં કોઈ અવાજ સંભળાયો હતો. એક ગામવાસીએ ડુક્કર ધારીને તરત જ અવાજની દિશામાં ગોળી ચલાવી હતી. આ ગોળીબારમાં બે ગામવાસીને ગોળી વાગી હતી.

ગોળી વાગવાને કારણે એક જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે બીજો ગંભીર રીતે ઘવાયો હતો. ભૂલથી પોતાના જ સાથીને મારી નાખવાને કારણે ગામવાસીઓને આઘાત લાગ્યો હતો. ડરી ગયેલા ગામવાસીઓ ઘટનાની પોલીસને જાણ કરવાને બદલે મૃત્યુ પામેલા સાથીના શબને ગાઢ જંગલમાં ખેંચી ગયા હતા અને ઝાડીઝાંખરાં વચ્ચે સંતાડી દીધું હતું.

આ પણ વાંચો: પાલઘર જિલ્લામાં 2024માં નોંધાયેલા 87 ટકા ક્રિમિનલ કેસ પોલીસે ઉકેલી કાઢ્યા

મનોરના જંગલમાં બનેલી ઘટનાની માહિતી પોલીસને મળતાં જ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા છ ગામવાસીને શંકાને આધારે તાબામાં લીધા હતા. શકમંદોએ આપેલી માહિતી પરથી પોલીસે મૃતદેહની શોધ હાથ ધરી હતી. ગાઢ જંગલમાંથી બુધવારે કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓના જખમી સાથીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બાબતે પણ પોલીસને જાણ કર્યા વિના ગામવાસીઓએ તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા. જોકે પોલીસ આ માહિતીની ખાતરી કરી રહી છે. આ પ્રકરણે પોલીસે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button