મહારાષ્ટ્ર

મુંડેના રાજીનામા પછી પણ વિપક્ષનો સરકાર પર હલ્લાબોલ: સાથી પક્ષોની સાથે વિપક્ષે આપી આકરી પ્રતિક્રિયા

મુંબઈઃ ગયા વર્ષે 9મી ડિસેમ્બરે જિલ્લામાં એક ઊર્જા કંપનીને નિશાન બનાવીને ખંડણી ઉઘરાવવાના પ્રયાસ બદલ દેશમુખનું અપહરણ, ત્રાસ અને હત્યા કરવામાં આવી હતી. દેશમુખ હત્યા કેસ અને તેનાથી સંબંધિત બે કેસોમાં ગુના તપાસ વિભાગ (સીઆઈડી) દ્વારા દાખલ કરાયેલા આરોપનામામાં મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડને આરોપી નંબર વન તરીકે નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુંડેએ પ્રધાનમંડળમાંથી તેમને દૂર કરવાની વિપક્ષની જોરદાર માંગણી બાદ આખરે આજ રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા પછી સાથી પક્ષના નેતાઓની સાથે વિરોધ પક્ષના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ)એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી.

આ પણ વાંચો: આખરે વિવાદાસ્પદ પ્રધાન ધનંજય મુંડેનું રાજીનામું: ફડણવીસે સોમવારે રાતે આપ્યું હતું અલ્ટિમેટમ?

રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કરો વિચાર

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોવાથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવો જોઇએ અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારને ઉખેડી ફેંકવી જોઇએ, એવી માગણી શિવસેના-યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ કરી હતી. સરપંચ સંતોષ દેશમુખની હત્યા પ્રકરણે ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું એ પૂરતું નથી. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ વિચાર કરવો જોઇએ, એમ તેમણે કહ્યું હતું.

ચાર્જશીટમાં મુંડેના નામનો સમાવેશ કરવાની માગણી

પુણેના સ્વારગેટ ડેપોમાં મહિલા પર બળાત્કાર ગુજારવાની તથી મુંબઈમાં 17 વર્ષની સગીરાને જીવતી સળગાવવાની ઘટનાને ટાંકતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે રાજ્યમાં અપરાધ દિવસે દિવસે વધી રહ્યો છે. સરકારને ઉખેડી ફેંકીને રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂર છે. આ સિવાય સરપંચ હત્યાકેસમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં ધનંજય મુંડેના નામનો સમાવેશ આરોપી તરીકે કરવાની માગણી પણ તેમણે કરી હતી.

મુંડેના નિવાસસ્થાને યોજવામાં આવેલી બેઠકમાં શું થયું?

સરપંચ સંતોષ દેશમુખના હત્યાકેસ સાથે સંકળાયેલા ખંડણી પ્રકરણ માટે ધનંજય મુંડેના સત્તાવાર નિવાસસ્થાને બેઠક યોજવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં શું થયું હતું એ અંગે મુંડેએ જણાવવું જોઇએ. મુંડેના સાતપુરા બંગલા ખાતે બેઠક યોજાઇ હતી કે નહીં એ અંગે મુંડેએ સ્પષ્ટતા કરવી જોઇએ, એમ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વિધાનસભ્ય સુરેશ ધસે જણાવ્યું હતું. ભાજપનાં નેતા પંકજા મુંડેએ કહ્યું હતું કે સરપંચની હત્યાકેસ માટે ભાઇ ધનંજય મુંડેએ પહેલાજ રાજીનામું આપીને યોગ્ય તે માર્ગ શોધી કાઢવો જોઇતો હતો.

રાજીનામું લેવા માટે 84 દિવસ શા માટે લાગ્યાઃ સુપ્રિયા સુળે

એનસીપીનાં નેતા સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે સરપંચ સંતોષ દેશમુખની હત્યાના ફોટા અને વીડિયો સરકાર પાસે હતા ત્યારે ધનંજય મુંડેને રાજ્ય કેબિનેટમાંથી રાજીનામું આપવા માટે 84 દિવસનો સમય કેમ લાગ્યો? સીએમએ 24 કલાકમાં રાજીનામું લેવું જોઇતું હતું એમ જણાવતા શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે સરપંચની હત્યા થયાના 24 કલાકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધનંજય મુંડે પાસેથી રાજીનામું માગવું જોઇતું હતું. આ અંગે થયેલો વિલંબ તદ્દન શરમજનક છે.

દેશમુખની હત્યાના વિરોધમાં પુણે અને થાણેમાં પ્રદર્શન

પુણે અને થાણે ખાતે શિવસેનાના કાર્યકરોએ આજે સરપંચ સંતોષ દેશમુખની હત્યાના વિરોધમાં અહીં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજાની માગ કરી હતી.

પક્ષના કાર્યકરોએ હત્યા સંબંધિત ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા એનસીપી નેતા ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડનું પૂતળું બાળ્યું હતું. પુણે એકમના પ્રમુખ પ્રમોદ ભાંગીરીએ જણાવ્યું હતું કે દેશમુખની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી અને અમે આરોપીઓને ફાંસીને માંચડે લટકાવવાની માગ કરીએ છીએ.

થાણેમાં પણ આવો જ વિરોધ પ્રદર્શન યોજાયો હતો, જ્યાં પાર્ટીના કાર્યકરો આનંદ આશ્રમની સામે ભેગા થયા હતા. થાણેના સાંસદ નરેશ મ્હસ્કે અને ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓએ હત્યાની નિંદા કરતા અને દેશમુખ પરિવાર માટે ન્યાય માંગતા પ્લેકાર્ડ હાથમાં રાખ્યા હતા. X પર એક પોસ્ટમાં, મ્હસ્કેએ કહ્યું હતું કે હત્યાનો કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને આરોપીને મૃત્યુદંડની સજા આપવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button