બીડના સરપંચની હત્યાના વિરોધમાં વિધાનભવનના પગથિયાં પર વિપક્ષી વિધાનસભ્યોના દેખાવો

નાગપુર: મહારાષ્ટ્રના બીડમાં સરપંચની હત્યાના વિરોધમાં મંગળવારે વિધાનભવનમાં વિરોધી પક્ષોના નેતાઓએ પગથિયાં પર બેસીને દેખાવો કર્યા હતા અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તત્કાળ ધરપકડની માંગ કરી હતી
વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)ના સાથી પક્ષોના વિધાનસભ્યોએ વિધાનભવનના પગથિયાં પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે, કોંગ્રેસના નાના પટોલે, નીતિન રાઉત, ભાઈ જગતાપ, વિકાસ ઠાકરે અને શિવસેના (યુબીટી)ના નેતાઓ ભાસ્કર જાધવ, સચિન આહિર, એનસીપી (એસપી)ના જીતેન્દ્ર આવ્હાડ અને અન્ય વિધાનસભ્યો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
ગયા અઠવાડિયે, મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું ટોલ પ્લાઝા નજીક તેમની કારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું, અને તેમનો મૃતદેહ કૈજ તહસીલના દૈથાણા વિસ્તારમાં મળી આવ્યો હતો, જેના પગલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈડી હત્યાકેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ માટે ગુરુવારે ચૂંટણી
પત્રકારો સાથે વાત કરતા, શિવસેના યુબીટીના અંબાદાસ દાનવેએ આરોપ લગાવ્યો કે બીડમાં સરપંચના મૃત્યુમાં શાસક પક્ષના લોકો સામેલ હતા.
તેમણે એવો દાવો કર્યો હતો કે મહાયુતિ સરકારે બીડ હત્યા અને ગયા અઠવાડિયે પરભણીમાં બંધારણની પ્રતિકૃતિની તોડફોડને કારણે થયેલી હિંસાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા 35 વર્ષીય વ્યક્તિના મૃત્યુ બંનેમાં કોઈ કાર્યવાહી કરી નથી.
પરભણી કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે વ્યક્તિનું મૃત્યુ હુમલાને કારણે થયું છે, શિવસેના (યુબીટી)ના નેતાએ આરોપ લગાવ્યો હતો કે પરભણીના કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આ ઘટના માટે જવાબદાર છે.
દાનવેએ કહ્યું કે વિપક્ષે સોમવારે ગૃહમાં આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને આજે પણ ઉઠાવશે.