હવે મહારાષ્ટ્રના કેદીઓ પણ ખાઈ શકશે પાણીપુરી ને પહેરી શકશે બર્મુડા
એક સમયે મહિલાઓની પસંદ ગણાતી પાણીપુરી હવે ખૂબ જ લોકપ્રિય એવી ખાવાની ચીજ બની ગઈ છે અને દરેક ગલીના નાકે ઉભેલા ખુમચાવાળાની આસપાસ તમને પાંચ-સાત લોકો જોવા મળશે જ. આ પાણીપુરી હાઈજેનિક ન હોવાની બુમરાણ પણ એટલી જ થતી હોય છે, પરંતુ પાણીપુરીની લોકપ્રિયતામાં જરાપણ ઘટાડો થતો નથી ત્યારે હવે આ ખાણું મહારાષ્ટ્રની જેલમાં પણ મળવાનું છે. જોકે માત્ર પાણીપુરી જ નહીં અન્ય ઘણી બહુ ખવાતી કે વપરાતી વસ્તુઓ અહીંની જેલમાં મળવાની છે. મળતી માહિતી અુનસાર કેદીઓ માટે મહારાષ્ટ્ર જેલની કેન્ટીનમાં 173 નવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેદીઓ આ બધી વસ્તુઓ કેન્ટીનમાંથી સરળતાથી ખરીદી શકે છે.
કેદીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં પાણીપુરી અને આઈસ્ક્રીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મતલબ કે હવે કેદીઓ જેલની કેન્ટીનમાંથી પાણીપુરી અને આઈસ્ક્રીમ ખરીદી શકશે અને ખાઈ શકશે. મહારાષ્ટ્ર જેલ વિભાગે કેન્ટીનમાં 173 નવી વસ્તુઓનો સમાવેશ કર્યો છે. આ યાદી બનાવતી વખતે કેદીઓના જરૂરી સાધનો અને મનોરંજનને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આથી કેન્ટીનના કેટલોગમાં કુલ 173 નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે. આ યાદીમાં બર્મુડા, શોર્ટ્સ, ટી-શર્ટ, ચાટ મસાલા, અથાણાં, નારિયેળ પાણી, ચેસ બોર્ડ, ઓટ્સ, કોફી પાવડર, લોનાવાલા ચિક્કી, સુગરફ્રી ગોળી, આઈસ્ક્રીમ, ઓર્ગેનિક ફ્રુટ્સ, પીનટ બટર, પાણીપુરી, આર્ટ બુક, ફેસ વોશનો સમાવેશ થાય છે. , હેર ડાઈઝ, નિકોટીનની ગોળીઓ અને કલર વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે.