મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં 20 વર્ષથી ફરાર ચોર પકડાયો, 19 લાખના દાગીના મળ્યા

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પોલીસે 60 વર્ષના કુખ્યાત ચોરની ધરપકડ કરી છે જે વીસ વર્ષથી ફરાર હતો. આરોપીએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોરી કરી હતી. જ્યારે પોલીસે તેને પકડીને પૂછપરછ કરી તો ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. જ્યારે તે પકડાયો ત્યારે પણ તેની પાસેથી 19 લાખ 10 હજાર રૂપિયાની કિંમતના ચોરાયેલા દાગીના મળી આવ્યા હતા.

પોલીસ ટીમ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન, માહિતી મળી હતી કે યવતમાળ જિલ્લાનો રહેવાસી સુરેશ ચોરીના દાગીના વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. માહિતીના આધારે પોલીસે છટકું ગોઠવીને તેની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: બાન્દ્રાની ઑફિસમાંથી 1.90 કરોડના હીરાજડિત દાગીના ચોરનારા પકડાયા

તપાસ દરમિયાન તેની પાસેથી 2 લાખ 61 હજાર રૂપિયાના દાગીના મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, આરોપીએ જણાવ્યું કે તેણે તલોધી પોલીસ સ્ટેશન વિસ્તારના મૌજા અકાપુર સ્થિત એક મકાનમાંથી આ દાગીનાની ચોરી કરી હતી. જ્યારે પોલીસે આગવી ઢબે તેની પૂછપરછ કરી તો તેના જૂના પ્રકરણ પણ બહાર આવ્યા હતા. તેણે અનેક ચોરીઓમાં પોતાનો હાથ હોવાની વાત કબૂલી હતી.

આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે ચંદ્રપુર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં 12 ઘરમાં ખાતર પાડ્યું છે. તેમાં ભદ્રાવતી, વારોરા, સાવલી, મૂળ, તલોધી અને નાગભીડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીનો જુનો રેકોર્ડ ફંફોસતા જાણવા મળ્યું કે તેની સામે ચોરી, ઘરફોડી સહિતના અન્ય ગુનાઓ છે, જેના માટે પોલીસ તેને 20 વર્ષથી શોધી રહી હતી.

પોલીસ અધિક્ષક મુમ્માકા સુદર્શન અને અધિક પોલીસ અધિક્ષક રીના જનબંધુના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ અધિકારી અમોલ કચોરેએ જણાવ્યું હતું કે આરોપીએ હજી કેટલી ચોરીઓ કરી છે તે જાણવા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button