નોમિની વ્યક્તિ મૃતકની મિલકત પર અધિકારનો દાવો કરી શકે નહીં, હાઇકોર્ટનો નિર્ણય

નાગપુરઃ જો નોમિની વ્યક્તિ કાયદેસરની વારસ ના હોય તો તે મૃતકની મિલકત પર કોઈ અધિકારનો દાવો કરી શકતી નથી. મૃતકની મિલકત પર તેના કાનૂની વારસદારોનો અધિકાર છે એમ જણાવતા મુંબઈ હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે સંબંધિત સંપત્તિ વારસદારોમાં સમાન રીતે વહેચણી કરવામાં આવે. નાગપુર બેન્ચના જસ્ટિસ ઉર્મિલા જોશી ફાળકે આ ચુકાદો આપ્યો હતો. આપણે આ કેસ વિશે જાણીએ.
નાગપુર સ્વર્ગસ્થ ગોપાલ કૃષ્ણ શિવહરેને બે પુત્ર લક્ષ્મીકાંત અને શ્રીરામ અને બે પુત્રી શૈલ અને સંતોષ હતા. શૈલને કોઈ સંતાન ન હોવાથી તેણે ભાઈ લક્ષ્મીકાંતના પુત્ર અભિષેકને દત્તક લીધો હતો. 6 મે 2013 ના રોજ શૈલનું અવસાન થયું. શૈલે અભિષેકને બેંક ખાતામાં નોમિનેટ કર્યો હતો. શૈલના મૃત્યુ બાદ અભિષેકે શૈલના ખાતામાંથી 90,150 રૂપિયા ઉપાડી લીધા અને બાકીની રકમ પણ ઉપાડવા માંડ્યો. શ્રીરામ અને સંતોષે આનો વાંધો ઉઠાવ્યો. આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો. હાઇકોર્ટ અભિષેકના પગલાને ગેરકાયદેસર જાહેર કર્યું હતું.
કોર્ટે જણાવ્યું હતું કે નોમિની બેંક ખાતાધારકના મૃત્યુ બાદ ખાતામાંથી રકમ ઉપાડી શકે છે, પણ તે રકમનો માલિક ના બની શકે. આ રકમ પર કાનૂની રીતે વારસદારોનો જ હક્ક ગણાય. આ રકમની વારસા મુજબ જ વહેંચણી કરવામાં આવે.
હકીકતમાં શૈલના મૃત્યુ બાદ શ્રીરામ અને સંતોષે ઉચ્ચ સિવિલ કોર્ટમાં અરજી કરી હતી અને શઐલના બેંક ખાતામાં રહેલા પૈસા શ્રીરામ, સંતોષ અને લક્ષ્મીકાંતને વહેંચવાની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ ત્રણેને વારસામાંથી માત્ર 60,993 રૂપિયાનો જ હિસ્સો આપ્યો હતો. આની સામે શ્રીરામ અને સંતોષે જિલ્લા કોર્ટમાં અપીલ કરી હતી. જિલ્લા કોર્ટે સંપત્તિની રકમ ત્રણે ભાઇબહેનને સરખે ભાગે વહેચવાનો આદેશ આપ્યો હતો, જે મુજબ દરેક જણને 15,12,156 રૂપિયા મળ્યા હતા.