મહારાષ્ટ્ર

શિંદેસેનાના નેતા બાદ હવે ભાજપના પ્રધાને પણ કર્યો ઈશારોઃ સૈફના હુમલાનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે

મુંબઇઃ અભિનેતા સૈફ અલી ખાનને 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા મળી હતી અને તેઓ તેમના ઘરે પરત કર્યા છે. 16 જાન્યુઆરીએ રાત્રે થયેલા હુમલામાં તેમને ગંભીર ઈજા થઈ હતી. તેમની સર્જરી કરવામાં આવી હતી. જોકે, તેઓ આટલા જલ્દી સાજા થઈ ગયા અને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ તે લોકોને સમજમાં આવી નથી રહ્યું. અગાઉ શિંદે સેનાના સંજય નિરૂપમ અને હવે ભાજપના નિતેશ રાણેએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યા છે.

પુણે ખાતે એક સભામાં ભાજપના નેતા નિતેશ રાણેએ સવાલ કર્યો હતો કે શું સેફ અલી ખાન પર ખરેખર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો કે તે માત્ર એક્ટિંગ જ કરી રહ્યો હતો. પોતાના નિવેદનમાં કહ્યું હતું કે એક બાંગ્લાદેશી સેફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો મુંબઈમાં શું કરી રહ્યા છે અને તેમની હિંમત જુઓ. પહેલા તેઓ સડકો પર રહેતા હતા, પરંતુ હવે તેઓ સૈફના ઘરમાં ઘુસ્યા હતા. કદાચ તેઓ સૈફને લેવા આવ્યા હતા. એ સારી વાત છે. કચરો તો નીકળી જ જવો જોઇએ.

નિતેશ રાણેએ એમ પણ જણાવ્યું હતું કે, સૈફ અલી ખાનને જોઈને મને શંકા થાય છે કે તેને ખરેખર છરો મારવામાં આવ્યો હતો કે તે માત્ર એક્ટિંગ જ કરી રહ્યો હતો. જિતેન્દ્ર અવ્હાડ અને સુપ્રિયા સુળેને હિન્દુ કલાકારોની પરવા નથી તેઓ માત્ર ખાન કલાકારની જ ચિંતા કરતા હોય છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું ત્યારે સુપ્રિયા કે જિતેન્દ્ર કંઇ બોલવા આગળ નહોતા આવ્યા, પરંતુ તેમને સેફ અલી ખાનની ચિંતા છે.

આ પણ વાંચો : સૈફ અલી ખાનના હુમલા મામલે ચોંકાવનારા સમાચારઃ પોલીસે ખોટા માણસને આરોપી માની પકડી લીધો?

નોંધનીય છે કે આ અગાઉ શિંદેની શિવસેનાના નેતા સંજય નિરૂપમે પણ સોશિયલ મીડિયા ઉપર સૈફ અલી ખાનના હુમલા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને સવાલ કર્યો હતો કે સૈફ અલી ખાન માત્ર પાંચ દિવસમાં હોસ્પિટલમાંથી કેવી રીતે બહાર આવી ગયો. સેફની પીઠમાં 2.5 ઇંચની છરી ઘુસી ગઈ હતી અને તેને કાઢવા માટે છ કલાક લાંબું ઓપરેશન થયું હતું. ને આટલી મોટી સર્જરી થઇ હોવા છતાં પણ માત્ર પાંચ દિવસમાં સૈફ અલી ખાન કેવી રીતે ફિટ થઈ ગયો છે એવા તેમણે સવાલ ઉઠાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button